ડૉ. મનમોહન સિંહનો પાર્થિવદેહ સવારે 8.00 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલય લઈ જવાશે, 11.45 કલાકે નિગમબોધ ઘાટ ખાતે અંતિમ ક્રિયા
ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92 વર્ષની વયે ગુરુવારે મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પક્ષના રાજકારણથી ઉપર ઉઠી દેશના દરેક દિગ્ગજ નેતાઓ જ નહીં વિદેશના નેતાઓએ પણ શુક્રવારે મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ વડાપ્રધાનને જે રીતે દેશ-વિદેશમાં તેમના આર્થિક સુધારા અને ભારતના વિકાસમાં યોગદાન બદલ યાદ કરાયા છે તે જોતાં ‘ઈતિહાસ મારા પ્રત્યેક મીડિયા-વિપક્ષ કરતાં દયાળુ રહેશે’ તેવું મનમોહન સિંહનું કથન સાચું પડયું છે. મનમોહનસિંહ દેશના પહેલા શીખ વડાપ્રધાન અને સૌથી લાંબો સમય સત્તા પર રહેનારા ચોથા નેતા હતા.
દીકરીઓ અમેરિકાથી ભારત આવી પહોંચી
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના પાર્થિવ શરીરને ગુરુવારે મોડી રાતે તેમના નિવાસ લુટિયન્સ દિલ્હીના મોતીલાલ નહેરુ રોડ સ્થિત બંગલા નં.-3માં લવાયો હતો. ડૉ.સિંહના પરિવારમાં પત્ની ગુરશરણ કૌર અને ત્રણ પુત્રીઓ ઉપિંદર સિંહ, દમન સિંહ અને અમૃત સિંહ છે. તેમની બે પુત્રીઓ અમેરિકા હતી, જે શુક્રવારે રાતે દિલ્હી પહોંચી હતી.
કોંગ્રેસે અંતિમવિધિનો ક્રાર્યક્રમ જણાવ્યો
કોંગ્રેસ મહાસચિવ વેણુગોપાલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ કાર્યકરો અને જનતા ડૉ. મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપી શકે તે માટે તેમનો પાર્થિવદેહ સવારે 8 કલાકે કોંગ્રેસ મુખ્યાલય લવાશે. ત્યાંથી 9:30 કલાકે તેમની અંતિમ યાત્રા નીકળશે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમ ક્રિયા સંપૂર્ણ રાજકીય સન્માન સાથે શનિવારે સવારે 11:45 કલાકે નિગમબોધ ઘાટ ખાતે કરાશે. આ જ સ્થળે તેમની સમાધી પણ બનાવાશે.
દિગ્ગજોએ આપી હતી શ્રદ્ધાંજલિ
શુક્રવારે સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ સંસદીય પક્ષનાં પ્રમુખ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના પ્રમુખ રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક દિગ્ગજ નેતાઓ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા તેમના નિવાસે પહોંચ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ પણ ડૉ. મનમોહનને શ્રદ્ધાંજલિ આપી હતી.
કેબિનેટની બેઠકમાં શૉક ઠરાવ પસાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શુક્રવારે સાંજે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી અને શોક ઠરાવ પસાર કરાયો હતો. બીજીબાજુ કોંગ્રેસ મુખ્યાલયમાં કોંગ્રેસ કારોબારીની પણ બેઠક મળી હતી, જેમાં મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. કોંગ્રેસ કારોબારી પછી પક્ષપ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારને પત્ર લખીને માગ કરી હતી કે ડૉ. મનમોહનસિંહની અંતિમ ક્રિયા એ જ જગ્યાએ કરવામાં આવે જ્યાં તેમની સમાધી બનાવી શકાય. કોંગ્રેસ મહાસચિવ અવિનાશ પાંડેએ કહ્યું કે, ખડગે અને મનમોહનસિંહના પરિવારે અંતિમ સંસ્કાર અને સ્મારકની જગ્યા માટે સરકાર સાથે વાતચીત કરી છે.
પીએમ મોદીએ આપી હતી શ્રદ્ધાંજલિ
ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પૂર્વ પીએમ મનમોહનસિંહનું જીવન દેશવાસીઓ માટે પ્રેરણાસ્રોત છે. એક અર્થશાસ્ત્રી તરીકે તેમણે અલગ અલગ સ્તર પર ભારત સરકારમાં સેવાઓ આપી. પૂર્વ પીએમ નરસિંહા રાવ સરકારમાં તેઓ નાણાંમંત્રી હતા અને દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાંખ્યો હતો. જનતા અને દેશના વિકાસ પ્રત્યે તેમનું સમર્પણ હંમેશા યાદ રખાશે. તેમણે ઉમેર્યું કે, તેમનું જીવન પ્રમાણિક્તા અને સાદગીનું પ્રતિક હતા. તેમની સૌમ્યતા, બૌદ્ધિક્તા તેમના જીવનની ઓળખ રહ્યા. હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે તેમની સાથે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ખુલ્લા મને ચર્ચા થતી હતી. દિલ્હી આવ્યા પછી પણ તેમની સાથેની મુલાકાતો અને ચર્ચા હંમેશા યાદ રહેશે. આ મુશ્કેલ સમયમાં હું તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ મર્પિત કરું છુું.
સોનિયા ગાંધી પણ થયા ભાવુક
કોંગ્રેસ સંસદીય પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, મારા માટે ડૉ. મનમોહનસિંહનું નિધન વ્યક્તિગત ખોટ છે. તેઓ મારા મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક હતા. તેઓ તેમના વર્તનમાં ખૂબ જ વિનમ્ર હોવાની સાથે પોતાની માન્યતાઓ પર ખૂબ જ દૃઢ હતા. સામાજિક ન્યાય, ધર્મનિરપેક્ષતા અને લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે તેમની કટિબદ્ધતા અટૂટ હતી. અમે કોંગ્રેસ પક્ષ અને ભારતના લોકો હંમેશા એ બાબતે ગૌરવ કરશે કે આપણી પાસે ડૉ. મનમોહનસિંહ જેવા નેતા હતા, જેમનું ભારતની પ્રગતિ અને વિકાસમાં અતુલનીય યોગદાન હતું.
રાહુલ ગાંધીએ કહ્યું કે મેં મારા માર્ગદર્શક ગુમાવ્યાં
રાહુલ ગાંધીએ જણાવ્યું કે મેં મારા માર્ગદર્શક ગુમાવી દીધા છે. કોંગ્રેસે કર્ણાટકના બેલગામમાં આયોજિત તેની બે દિવસની કારોબારી બેઠક શુક્રવારે રદ કરી દીધી હતી અને કોંગ્રેસ સ્થાપના દિવસ સંબંધિત બધા આયોજનો પણ રદ કરી દીધા છે.