અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં બે દિવસિય શામળાજી મહોત્સવનું સમાપન થયું. બીજા દિવસે લોક ગાયક ઓસ્માન મીર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કૃષ્ણ ભજનથી વાતાવરણ કૃષ્ણમય બનાવ્યું હતું. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ની કચેરી, મોડાસા દ્વારા આયોજિત કરવામાં આવેલા શામળાજી મહોત્સવમાં મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો, ભક્તો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. બીજા દિવસે ઓસ્માન મીર તેમજ તેમના પુત્ર આમિર મીર ની જુગલબંધીએ દર્શકોને ઝૂમાવી દીધા હતા. તેમના ભજન અને ગીતોની એવી રે રસધારા વહી કે, તેમાં જિલ્લાના અધિકારીઓ પણ પોતાને રોકી શક્યા નહોતા. કાર્યક્રમની શરૂઆતથી અંત સુધી ભક્તો અડીખમ રહ્યા હતા અને સંપૂર્ણ કાર્યક્રમને નિહાળ્યો હતો.
દર વર્ષ કરતા આ વર્ષે યોજાયેલા શામળાજી મહોત્સ કાર્યક્રમ યાદગાર બની ગયો હતો. બંન્ને દિવસના કલાકારોએ ધૂમ મચાવી દીધી હતી. વાયુવેગે વાત સમગ્ર જિલ્લામાં પ્રસરતા, કાર્યક્રમને જોવાનું ચૂકી ગયેલા ભક્તોમાં પણ નિરાશા જાગી હતી. આ પ્રકારના યાદગાર અને અલૌકિક કાર્યક્રમને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મોડાસા દ્વારા ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. હવે તો લોકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, આગામી દિવસોમાં યોજાનાર શામળાજી મહોત્સવ પંચ મહોત્સવમાં પરિવર્તિત થાય.
શામળાજી ખાતે યોજાયેલા મહોત્સવમાં જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલ, એ.એસ.પી. સંજયકુમાર કેશવાલા, મોડાસા પ્રાંત અધિકારી દેવેન્દ્રકુમાર મીણા, મોડાસા નગર પાલિકા પ્રમુખ નિરજ શેઠ, ચીફ ઓફિસર ભદ્રેશ પટેલ, શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો, મોડાસા મામલતદાર ગોપી મહેતા, ભિલોડા મામલતદાર અને મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારી, રમત-ગમત અધિકારી પ્રકાશ કલાસવા, યુવા અને સાસ્કૃતિ પ્રવૃત્તિઓના અધિકારી રાકેશ પટેલ અને બિજલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શામળાજી અને અરવલ્લી જિલ્લા પોલિસના અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા.