પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સેના અને પોલીસની બર્બતા વિરુદ્ધ સ્થાનીક લોકો ગુસ્સે થયેલા છે, જેના કારણે અહીં સેના અને બલૂચ બળવાખોરો વચ્ચે અવારનવાર લોહીયાળ અથડામણ થતી રહે છે. આ જ ક્રમમાં સેના અને બળવાખોરો વચ્ચે ભયાનક અથડામણ થઈ છે, જેમાં પાકિસ્તાની સેનાના 18 જવાનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. અથડામણમાં 23 બળવાખોરોના પણ મોત થયા છે. આ ઉપરાંત બલૂચોએ હાઈવે પર પણ કબજો કરી લીધો છે, જેના કારણે સેના લાચાર બની ગઈ છે.
બલૂચ લોકો સરકાર-આર્મીના વિરોધમાં
અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં અવારનવાર હિંસક ઘટનાઓ બનતી રહે છે. બલૂચિસ્તાનના લોકો શાહબાજ શરીફ સરકાર, પાકિસ્તાન આર્મી અને સ્થાનીક પોલીસની દમનકારી નીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહે છે. એવું કહેવાય છે કે, બલુચ લિબરેશન આર્મી (બીએલએ) અને પાકિસ્તાન સુરક્ષા દળો વચ્ચે હાલમાં થયેલી અથડામણ અત્યાર સુધીની સૌથી મોટી ઘટના છે.
BLAએ હુમલાની જવાબદારી લીધી
પાકિસ્તાની સેનાના સત્તાવાર નિવેદનમાં કહેવાયું છે કે, અમારા સુરક્ષા દળના જવાનો હાઈવે પરથી બેરિકેડ્સ હટાવવામાં સફળ થયા છે. આ ઓપરેશનમાં 18 સુરક્ષા કર્મચારીઓના મોત થયા છે. જવાનોએ 23 બળવાખોરોના મૃતદેહ કબજે કર્યા છે. આ હુમલાની જવાબદારી બલુચ લિબરેશન આર્મીએ લીધી છે.