39 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines IND vs PAK: ચેમ્પિયન્સ ટ્રોફીની હાઈ વોલ્ટેજ મેચમાં ભારતની પાકિસ્તાન સામે ભવ્ય...

IND vs PAK: ચેમ્પિયન્સ ટ્રોફીની હાઈ વોલ્ટેજ મેચમાં ભારતની પાકિસ્તાન સામે ભવ્ય જીત, કિંગ કોહલીની સદી

0
169

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં આજે (23 ફેબ્રુઆરી) દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી હાઈ વોલ્ટેજ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું છે. વિરાટ કોહલી ભારતની જીતના હિરો રહ્યા, જેમણે અણનમ સદી ફટકારી.

ચેમ્પિયન્સ ટ્રોફીના હાઈ વોલ્ટેજ મુકાબલામાં ભારતની પાકિસ્તાન સામે ભવ્ય જીત, કિંગ કોહલીની સદી

હાર્દિક પંડ્યા 8 રન બનાવી આઉટ
હાર્દિક પંડ્યાએ મેદાનમાં આવતાં જ તાબડતોબ બેટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે તે મેચ પૂરી કરી શક્યો નહોતો. તેણે 6 બોલમાં 8 રન બનાવ્યા હતા.

શ્રેયસ ઐયર અર્ધી સદી સદી બનાવી આઉટ
શ્રેયસ ઐયરે વન-ડે ક્રિકેટમાં 21મી અર્ધી સદી પૂરી કરી હતી. તે 56 રન બનાવી આઉટ થયો હતો. તેણે મેચ દરમિયાન 102 મિટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. આ દર્શનીય શોટ જોઈ પ્રેક્ષકો દંગ રહી ગયા હતા. ભારતને જીત માટે છેલ્લી 15 ઓવરમાં 53 રનની જરૂર હતી. શ્રેયસ અને કોહલી બંનેએ વિકેટ વચ્ચે ખૂબ ઝડપથી દોડી રન બનાવ્યા હતા.

કોહલી ફરીથી પાકિસ્તાનને ભારે પડ્યો, અનેક રેકોર્ડ તોડ્યા
કોહલીની મનપસંદ પ્રતિસ્પર્ધી ટીમ પાકિસ્તાન છે. ફરી એક વખત પાકિસ્તાન સામે તેણે જબરદસ્ત બેટિંગ કરી પોતાનો ક્લાસ બતાવી દીધો. તેણે આ મેચમાં અર્ધી સદી ફટકારતાં સાથે ICC ટુર્નામેન્ટમાં 23મી વખત 50થી વધુ સ્કોર કરવાનો રેકોર્ડ બનાવ્યો. આવું અગાઉ માત્ર સચિન તેંડુલકરે જ કર્યું છે.

કોહલીના વન-ડેમાં 14000 રન
વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 14000 રન પુરા કરનાર ત્રીજો બેટર બન્યો. અગાઉ માત્ર સચિન અને કુમાર સંગાકારા આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે. જૉ કે કોહલીએ સૌથી ઝડપી આ સીમાચિહ્ન મેળવ્યું હતું.

પાકિસ્તાની ફિલ્ડર્સે ગિલ અને કોહલીના કેચ છોડ્યા
ભારતની ઇનિંગની 11મી ઓવરમાં રૌફની બોલિંગ દરમિયાન પાકીસ્તાની ફિલ્ડર્સે ગિલ અને કોહલીના કેચ છોડ્યા હતા. ત્યાર બાદ 12 મી ઓવરમાં રિઝવાને સ્પિનરને બોલ સોંપ્યો હતો.

પાવરપ્લેમાં શુભમન ગિલની તાબડતોબ બેટિંગ
રોહિત આઉટ થયા બાદ શુભમન ગિલે ફટકાબાજી કરવાનું ચાલુ રાખ્યું હતું. પાવર પ્લેમાં 10 ઓવરમાં ભારતીય ટીમે 64 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાને પહેલો મોટો ઝટકો, કેપ્ટન રોહિત શર્મા 20 રન બનાવીને આઉટ (ભારતનો સ્કોર – 31/1)
ભારતીય ટીમને પહેલો સૌથી મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે રોહિત શર્મા 15 બોલ પર 20 રન બનાવીને આઉટ થયો. શાહીન આફ્રિદીના બોલ પર રોહિત શર્મા આઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં 1 છગ્ગો અને 4 ચોગ્ગા લગાવ્યા હતા. ત્યાર બાદ વિરાટ કોહલી અને શુભમન ગિલ ક્રિઝ પર ટકી રહ્યા હતા.

પાકિસ્તાન 241 પર ઓલઆઉટ
પાકિસ્તાનની ટીમ ભારત સામે પૂરી 50 ઓવર્સ રમી શકી નહોતી. પાક. બેટર્સની ધીમી રમત બાદ ટીમે 49.4 ઓવર્સના અંતે 10 વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા. ભારતને આ મેચ જીતવા માટે 242 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.

કુલદીપ યાદવે બે બોલમાં બે વિકેટ ઝડપી
કુલદીપ યાદવે પાકિસ્તાનની છઠ્ઠી અને સાતમી વિકેટ ઝડપી હતી. જેમાં તેણે સતત બે બોલમાં બે વિકેટ ઝડપતાં સલમાન આગા અને શાહીન આફ્રિદીને પેવેલિયનભેગા કરી દીધા હતા. જેના કારણે આ મેચમાં પણ હેટ્રીકની તક ઊભી થઈ હતી. અગાઉ બાંગ્લાદેશ સામેની મેચમાં અક્ષર પટેલને આવી તક મળી હતી અને હવે કુલદીપ યાદવે પણ આવી સ્થિતિ ઊભી કરી હતી. જો કે બંને બોલર્સ આ તકોને હેટ્રીકમાં કન્વર્ટ કરી શક્યા નહોતા.

રવિન્દ્ર જાડેજાએ વિકેટ ઝડપ્યા બાદ જબરદસ્ત કેચ પકડ્યો
રવિન્દ્ર જાડેજાએ પોતાની છઠ્ઠી ઓવરના પહેલા જ બોલે તાહિરને બોલ્ડ કર્યો હતો. ભારતે 15 રનના ગાળામાં પાકિસ્તાનની ત્રણ મહત્વની વિકેટ ઝડપી લીધી હતી. એક સમયે પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે 150 રન હતો જે થોડા જ વખતમાં 165/5 થઈ ગયો હતો. ત્યાર બાદ કુલદીપ યાદવની બોલિંગ દરમિયાન તેણે સલમાન આગાનો શાનદાર કેચ પકડ્યો હતો અને પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ ખેરવવામાં પણ યોગદાન આપ્યું હતું.

હાર્દિક પંડ્યા ફરી ત્રાટક્યો, અક્ષરે રનઆઉટ બાદ હવે કેચ ઝડપ્યો
અગાઉ હાર્દિક પંડ્યાની બોલિંગમાં હર્ષિત રાણાએ રિઝવાનનો કેચ પાડ્યો હતો. જો કે ત્યાર પછી અક્ષર પટેલે તેને બોલ્ડ કર્યો હતો. ત્યાર પછી અક્ષર પટેલની બોલિંગમાં જ સઉદ શકીલનો કેચ કુલદીપ યાદવે છોડ્યો હતો. બાદમાં હાર્દિક પંડ્યા ફરી બોલિંગમાં આવતાં અક્ષરે તેનો કેચ ઝડપ્યો હતો. આમ આ મેચમાં અવારનવાર ગુજરાતીઓએ ટીમ ઈન્ડિયાને બચાવી હતી અને સેટ થઈ ગયેલા પાકિસ્તાનીઓને મેદાનની બહાર મોકલી દીધા હતા.

કુલદીપ યાદવે સેટ થયેલા શકીલનો કેચ પાડ્યો
ભારત માટે ખરાબ ફિલ્ડિંગ એક મોટો પ્રશ્ન બની ગયો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ત્રણ કેચ છૂટયા હતા તો પાકિસ્તાન સામેની મેચમાં પહેલા હર્ષિત રાણાએ કેપ્ટન રિઝવાનનો અને ત્યાર પછી કુલદીપ યાદવે સેટ થયેલા શકીલનો કેચ પાડ્યો હતો.

અક્ષરે તોડી ભાગીદારી
રિઝવાનનો કેચ છૂટયા બાદ તરત પછીની ઓવરમાં જ અક્ષર પટેલે તેને બોલ્ડ કર્યો હતો અને શકીલ સાથેની તેની આગળ વધતી ભાગીદારીને અટકાવી દીધી હતી. ભારત માટે આ વિકેટ ખૂબ જરૂરી હતી. ખરા સમયે ટીમને વિકેટ મળી હતી જેના કારણે ભારત પરથી દબાણ ઓછું થયું હતું.

હર્ષિત રાણાએ કેપ્ટન રિઝવાનનો કેચ બાફ્યો
હાર્દિક પંડ્યાની બોલિંગ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાનનો કેચ ઉછળ્યો હતો જે હર્ષિત રાણા પકડી શક્યો નહોતો. હાર્દિક પંડ્યા તેના કારણે નિરાશ થઈ ગયો હતો.

રિઝવાન સઉદની ધીમી રમત
ભારતીય બોલર્સની ચુસ્ત બોલિંગ સામે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી રહેલા કેપ્ટન મોહમ્મદ રિઝવાન અને સઉદ શકીલ શરૂઆતમાં સાવ ઢીલા પડી ગયેલા દેખાયા હતા. બંનેએ અત્યંત ધીમી રમત બતાવી હતી. 11મી ઓવરથી 20મી ઓવર સુધીમાં પાકિસ્તાની બેટર્સ માત્ર 27 રન બનાવી શક્યા હતા.

બંને ગુજરાતીઓ ચમક્યા
ભારતે તાજેતરમાં જીતેલા T20 વર્લ્ડકપની ફાઇનલમાં અક્ષર પટેલે ટીમ માટે મુશ્કેલીના સમયે 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. તો બોલિંગમાં હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આટલું જ નહીં હાર્દિક પંડ્યાએ દક્ષિણ આફ્રિકાની ઈનીંગની છેલ્લી ઓવરમાં 16 રન ડિફેન્ડ કર્યા હતા. આમ ભારતને જીત અપાવવામાં આ બંને દિગ્ગજોનું મોટું યોગદાન રહ્યું હતું.

અક્ષર પટેલનો જબરદસ્ત થ્રો
સેટ થઈ ગયેલા પાકિસ્તાની ઓપનર ઈમામ ઉલ હકને અક્ષર પટેલના જબરદસ્ત થ્રોના કારણે મેદાન છોડવું પડ્યું હતું. ઈમામ ઉલ હક અને બાબર આઝમ વચ્ચે ઓપનિંગમાં સારી પાર્ટનરશિપ બની રહી હતી. એ જ સમયે 41 રનના સ્કોર પર હાર્દિક પંડ્યાએ બાબર અને 47 રનના સ્કોર પર ઈમામ ઉલ હકને અક્ષર પંડ્યાએ પેવેલિયનની બહાર મોકલી દીધા હતા.

હાર્દિકે અપાવી ટીમને પહેલી વિકેટ, બાબરને બહાર મોકલી દીધો
ભારતીય ટીમને પહેલી વિકેટ હાર્દિક પંડ્યાએ અપાવી હતી. વિકેટ પાછળ લોકેશ રાહુલે બાબર આઝમનો કેચ ઝડપ્યો હતો. મોહમ્મદ શમીએ દુઃખાવાના કારણે સ્પેલ અધવચ્ચે છોડ્યો હતો જેના કારણે હાર્દિક પંડ્યાને બોલિંગ માટે બોલવાયો હતો. તેણે બાબર આઝમની વિકેટ ઝડપીને ઓપનિંગ પાર્ટનરશિપ તોડી નાખી હતી.

ભારત માટે ચિંતાનો વિષય
મોહમ્મદ શમીએ ઇજાના કારણે મેદાન છોડવું પડ્યું છે. વન-ડે વર્લ્ડકપ બાદ શમી ઈજામાંથી બહાર આવ્યા બાદ પહેલી ICC ટુર્નામેન્ટ રમી રહ્યો છે. શમીની ઇજાના કારણે ભારતીય બોલિંગ નબળી પડી શકે છે કારણ કે બુમરાહ પણ ઇજાના કારણે આ ટુર્નામેન્ટમાં નથી રમી રહ્યો માટે ભારત પાસે આ ટુર્નામેન્ટમાં અન્ય કોઈ સિનિયર ફાસ્ટ બોલર નથી.

પ્રથમ ઓવરમાં 5 વાઈડ
ભારત માટે મેચની શરૂઆત સકારાત્મક રહી નહોતી. કારણ કે પ્રથમ ઓવરમાં સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 5 વાઈડ ફેંક્યા હતા. બીજી ઓવરમાં હર્ષિત રાણાએ એક વાઈડ ફેંકતા શરૂઆતની બે ઓવરમાં જ પાકિસ્તાની ટીમને 6 એકસ્ટ્રા રન મળી ગયા હતા.

ટોસ જીતવા છતાં પાકિસ્તાને ભૂલ કરી?
કેટલાક એક્સપર્ટસના મતે ભારત પાકિસ્તાનની મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ટીમને ભારે પડી શકે છે. કારણ કે ભારત-પાકિસ્તાનની મેચ એક હાઇ વોલ્ટેજ મેચ હોય છે. મેચની શરૂઆતની ક્ષણોમાં બંને ટીમો પર દબાણ હોય છે. આવી સ્થિતિમાં, બેટિંગ કરતી ટીમને ઘણીવાર વધુ નુકસાન થાય છે. શરૂઆતમાં બોલર એક બે મોંઘી ઓવર ફેંકી શકે છે. તેનાથી બોલિંગ ટીમને બહુ ફરક પડતો નથી. પરંતુ જો બેટિંગ કરતી ટીમ શરૂઆતમાં 3-4 વિકેટ ગુમાવી દે તો તેની અસર આખી મેચ પર જોવા મળે છે. ભારતીય ફાસ્ટ બોલર્સ અને સ્પિનર્સ જે રીતે ફોર્મમાં છે. તે જોતાં એવું લાગે છે કે પાકિસ્તાન કેટલીક ઝડપથી વિકેટ ગુમાવી શકે છે. ટીમ ઇન્ડિયા તેમને સસ્તામાં આઉટ કરીને શરૂઆતથી જ મેચ પર કાબૂ મેળવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!