34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home બિઝનેસ માર્ચ વાયદામાં 17.4 લાખ ટન રો સુગરની ડીલીવરી ઉતારી: મંદીના સંકેત

માર્ચ વાયદામાં 17.4 લાખ ટન રો સુગરની ડીલીવરી ઉતારી: મંદીના સંકેત

0
197

૨૮ ફેબ્રુઆરી સુધીમાં ૨૦૨૪-૨૫નુ ભારતનું ખાંડ ઉત્પાદન ૧૪ ટકા ઘટીને ૨૧૯ લાખ ટન
ગુજરાતમાંથી ૬૮.૨ લાખ ટન ખાંડ ઉત્પાદન આવવાની સંભાવના

ઇબ્રાહિમ પટેલ
મુંબઈ તા. ૨:
ઇથેનોલ કરતા ખાંડનું ઉત્પાદન કરવું વધુ નફાકારક છે, એવું માનીને બ્રાઝીલની સુગર મિલોએ શેરડીને સુગર ઉત્પાદન તરફ વાળી દીધી છે. બ્રાઝીલીયન એજન્સી કઝર્નીકોવ કહે છે કે ૨૦૨૫-૨૬મા અમારું ઉત્પાદન ૪૩૬ લાખ ટનની ઉંચાઈએ પહોચી જશે. આથી ગત સપ્તાહે જગતભરમાં ભાવ સાવચેતીના મોડમાં આવી ગયા હતા. વૈશ્વિક સુગર બજાર ૨૦૨૫-૨૬મા ૨૭ લાખ ટન પુરાંત દાખાવેશે, જે ૨૦૨૪-૨૫મા ૩૭ લાખ ટન ખાધ અંદાજવામાં આવી હતી, એમ ફેબૃઆરીમાં ગ્રીન પુલ કોમોડીટી સ્પેશ્યાલીસ્ટે કહ્યું હતું.

બ્રાઝીલ ચલણ રીલ વધુ નબળો પડવાથી શુક્રવારે સતત ત્રીજા સત્રમાં ખાંડના ભાવ ઘટી બે સપ્તાહના તળિયે ગયા હતા. અમેરિકન ડોલર સામે બ્રાઝીલ રીલ સાડાત્રણ સપ્તાહની બોટમે જતા નિકાસકારોને મોટા સોદા કરવાનું પ્રોત્સાહન મળ્યું હતું. સાથે જ વાયદાબજારમાં તેજીવાળાઓ પોટલાં છોડી હળવા થયા હતા. આઈસીઈ ન્યુયોર્ક રો સુગર મે વાયદો શુક્રવારે બે ટકા ઘટીને ૧૮.૫૨ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) અને લંડન રીફાઈન્ડ મે વાયદો ૧.૭૦ ટકા ઘટ્યો હતો. અલબત્ત, ભારતામાં સુગર ઉત્પાદન ઘટશે, એવા સમાચાર આવતા આંતરપ્રવાહને ટેકો સાંપડ્યો હતો.

રો સુગર માર્ચ વાયદો કટ થવા પહેલા, મે બેન્ચમાર્ક વાયદાનું પ્રીમીયમ ધરખમ પ્રમાણમાં ઘટી ગયું છે. ગત સપ્તાહના આરંભે બે વાયદા વચ્ચેનો ભાવ ગાળિયો (પ્રિમીયમ), માર્ચ વાયદો કટમાં જાય તે પહેલા ૧.૬૧ સેન્ટથી ઘટીને ૦.૫૯ સેન્ટ રહી ગયો હતો. બે મોટા સુગર ડીલરોએ આપેલી પ્રાથમિક માહિતી મુજબ, અહી એ વાત નોંધવી રહી કે આ વાયદા (માર્ચ)માં ૩૪,૩૮૫ લોટ એટલે કે ૧૭.૪ લાખ ટન રો સુગરની ડીલીવરી, અગાઉ ક્યારેય નાં ઉતારી હોય તેટલી મોટી ઉતરી હતી.

કહેવાય છે કે સિંગાપુર સ્થિત કોમોડીટી ટ્રેડર વિલ્માર ઇન્ટરનેશનલ ૨૩,૦૭૩ લોટ અથવા ૧૧.૭ લાખ ટન રો સુગરનાં સૌથી મોટા ડીલીવરી સ્વીકારનાર માનવામાં આવે છે. સામે સૌથી વધુ ૯,૫૯૯ લોટ એટલે કે ૪,૮૭,૬૫૬ ટન ડીલીવરી આપનાર લુઇસ દ્રેફ્યુસ મનાય છે. સામાન્ય રીતે આટલી મોટી ડીલીવરી ઉતારે તેને બજારમાં મંદીના સંકેત માનવામાં આવે છે. ભારતીય વ્હાઈટ સુગરના ભાવ પણ વૈશ્વિક બજારમાં શુક્રવારે ૧.૩ ટકા ઘટીને ટન દીઠ ૫૩૨.૬૦ ડોલર મુકાયા હતા, વ્હાઈટ સુગરમાં સાપ્તાહિક ધોરણે ૪.૯ ટકાનું ગાબડું પડ્યું હતું.

નેશનલ ફેડરેશન ઓફ કો ઓપરેટીવ સુગર ફેકટરીઝએ કહ્યું હતું કે ૨૮ ફેબ્રુઆરી સુધીમાં ૨૦૨૪-૨૫નુ ભારતનું કુલ ખાંડ ઉત્પાદન, ગતવર્ષનાં ૨૫૪ લાખ ટનની તુલનાએ ૧૪ ટકા ઘટીને ૨૧૯ લાખ ટન થયાનું અનુમાન છે. અત્યાર સુધીમાં ૧૮૬ ખાંડ મિલોએ પીલાણ બંધ કરી ધીધુ છે, ગતવર્ષે આ સમયે માત્ર ૭૨ મિલોએ જ ઉત્પાદન બંધ કર્યું હતું. નેશનલ ફેડરેશન કહે છે કે વર્ષાંત સુધીમાં ઉત્પાદનનો આંકડો, ગતવર્ષના ૩૧૯ લાખ ટનથી ૧૯ ટકા ઘટીને ૨૬૫ લાખ ટન રહેવાનો અંદાજ છે.

ગુજરાતની ૧૫ સુગર મિલોએ વર્તમાન મોસમમાં ભારતના ઉત્પાદનમાં હિસ્સેદારી કરી હતી, તેમાંથી અત્યારે માત્ર બે જ મિલોએ ઉત્પાદન બંધ કર્યું હતું. ગુજરાતમાંથી ૬૮.૨ લાખ ટન ઉત્પાદન આવવાની સંભાવના છે. વર્તમાન મોસમમાં અખિલ ભારતીય ધોરણે ૫૩૨ મિલોએ શેરડી પીલાણ હાથ ધાર્યું હતું. આમાંથી માત્ર ૨૧ ટન સુગર જ ઇથેનોલ ઉત્પાદનમાં ગઈ છે. ખાંડ ઉત્પાદનમાં ગાબડું જોતા, ભારત સરકાર પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ અને નિકાસ નીતિનો લક્ષ્યાંક ઘટાડવા પ્રેરિત થશે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. 3-3-૨૦૨૫

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!