રાજ્ય સરકાર ગાંજો, ડ્રગ્સ તેમજ અન્ય નશીલા પદાર્થોની હેરાફેરી પર રોક લગાવવા સતત પ્રયત્નશીલ રહે છે, પણ કેટલીક વાર થોડી ભૂલને કારણે આવો જથ્થો બારોબાર થઈ જતો હોય છે. પણ અરવલ્લી જિલ્લા પોલિસ તંત્રએ ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. માલપુર તાલુકાના હાથીખાંટના મુવાડા ગામે અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને સરકારી પડતર જમીન પર વાવેતર થયેલ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. પોલિસે ગાંજાના કુલ 350 છોડ કબજે કર્યા છે.
અરવલ્લી જીલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેક્ટર એચ.પી.ગરાસીયા તથા એલ.સી.બી. ટીમને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, માલપુર તાલુકાના સખવાણીયા ગૃપ ગ્રામપંચાયત હસ્તકના હાથીખાંટના મુવાડા ગામનો સર્વે નંબર 296 (સરકારી પડતર) માં હાથીખાંટના મુવાડા ગામે ગાંજાનું વાવેતર કર્યું છે. સરકારી પડતર જમીન પર ગુલાબજી વિરાજી ખાંટ દ્વારા મકાઇના પાકની આડમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનુ વાવેતર કર્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલિસે ડ્રોન તેમજ અન્ય સર્વેલન્સથી તપાસ કરી હતી. પોલિસને સર્વે નંબર 296 પર ગુલાબજી વિરાજી ખાંટના ખેતરમાંથી લીલા ગાંજાના નાના મોટા છોડ નંગ-350, કુલ વજન 128.392 કિ.ગ્રા. જેની કુલ કી.રૂ.12,83,920/-નો કુલ મુદ્દામાલ પકડી પકડી પાડ્યો હતો. આરોપી હાલ ફરાર છે, જેને પકડવા પોલિસે કાર્યવાહી કરી છે. આરોપી વિરુધ્ધમાં માલપુર પોલીસ સ્ટેશન ખાતે ધી નારકોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફીક સબસ્ટન્સીસ એક્ટ 1985ની કલમ 20(A) મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
સરકારી પડતર જમીન પર કેટલા સમયથી ભોગવટો હતો ?
અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે માલપુર તાલુકાના હાથીખાંટના મુવાડા ગામે આવેલા સર્વે નંબર 296 માંથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે, ત્યારે સવાલ એ થાય છે કે, સ્થાનિક તલાટી, ગ્રામ સેવક અથવા તો તાલુકા વહીવટી તંત્રની નજર કેમ ન પડી ? કેટલા સમયથી આ જમીન પર કેવું અને શું વાવેતર થતું હતું તે સવાલ છે. હાથીખાંટના મુવાડા ગામે આવેલા સર્વે નંબર 296 તે સત્તાના પ્રકાર અને જમીનના ઉપયોગમાં સરકારી પડતર બતાવે છે. હવે સવાલ એ છે કે, અહીં આમ કેમ થયું ? સરકારી પડતર જમીન પર ગાંજાનું વાવેતર થતાં તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.





