37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines મેદાન વિના રમત, શિક્ષક વિના ભણતર: ‘બેગલેસ ડે’ ની જાહેરાત વચ્ચે શિક્ષણ...

મેદાન વિના રમત, શિક્ષક વિના ભણતર: ‘બેગલેસ ડે’ ની જાહેરાત વચ્ચે શિક્ષણ વ્યવસ્થાની કરૂણ હકીકત, કોંગ્રેસના તીખા સવાલો

0
230

ઘણાં વર્ષોથી ચિત્ર, સંગીત અને વ્યાયામના શિક્ષકની ભરતી નહીં, 6 હજારથી વધુ શાળાઓ પાસે મેદાન જ નથી – તો બેગલેસ દિવસે વિદ્યાર્થીઓ શું કરશે?

રાજ્ય સરકાર દ્વારા બેગલેસ ડેની જાહેરાત તો કરવામાં આવી ગઈ છે, પરંતુ જમીન પર શિક્ષણ વ્યવસ્થાની ખરાબ હાલત આ જાહેરાતની પૃષ્ઠભૂમિ સામે વધુ સ્પષ્ટ થવા લાગી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ નિર્ણય સારો હોવા છતાં મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા છે: “ભાર વગરના ભણતરનો વિચાર સુંદર છે, પણ જે શાળાઓમાં ચિત્ર, સંગીત અને વ્યાયામ શિક્ષક નથી, જ્યાં મેદાન પણ નથી – ત્યાં બાળકો બેગલેસ દિવસે શું શીખશે?”

તેમણે ઉમેર્યું કે, રાજ્યની લગભગ 6921 પ્રાથમિક શાળાઓ પાસે પોતાનું મેદાન નથી, જ્યારે 15 વર્ષથી ચિત્ર, સંગીત અને વ્યાયામના શિક્ષકોની ભરતી થઈ નથી. સાથે જ, કોમ્પ્યુટર વિષય માટે પણ ઘણા વર્ષોથી શિક્ષકોની ભરતી અટકેલી છે. હાલ રાજ્યમાં અંદાજે 40,000 શિક્ષકોની ખાલી જગ્યા છે, અને દર વર્ષે પ્રવેશોત્સવના નામે લાખો રૂપિયાની જાહેરાતો થતી હોવા છતાં શિક્ષક ભરતીનો ‘ઉત્સવ’ વર્ષોથી અટવાયેલો છે.

મનિષ દોશીએ વધુમાં પ્રશ્ન કર્યો કે, “બેગલેસ ડેથી બાળકોને એક દિવસ માટે બેગના ભારથી રાહત મળશે, પણ વાલીઓને તો સ્કૂલની મસમોટી ફીથી રાહત ક્યારે મળશે?” તેમણે જણાવ્યું કે, જ્યારે શાળાઓ પાસે શિક્ષક કે પ્રાથમિક સગવડ જ નથી, ત્યારે આવા દિવસો માત્ર “દેખાવ” પૂરતા બની રહે છે. કોંગ્રેસે સરકારને સવાલ કર્યો કે, વિદ્યાર્થીઓને શીખવડાવશે કોણ? આ સાથે જ તેમણે જણાવ્યું કે, પ્રવેશોત્સવના નામે લાખોની જાહેરાત કરવામાં આવે છે પણ શિક્ષકોની ભરતીનો ઉત્સવ ક્યારે મનાવાશે ? આ સાથે જ કોંગ્રેસે કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા છે.
રાજ્યમાં 40 હજાર શિક્ષકોની લાંબા સમયથી ઘટ
• શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી.
• ૪૦,૦૦૦ જેટલા શિક્ષકોની ઘટ લાંબા સમય થી
• ચિત્ર, સંગીત, વ્યાયામ શિક્ષકોની ભરતી છેલ્લા ૧૫ વર્ષ કરતા વધુ સમયથી કરવામાં આવી નથી.
• કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી પણ લાંબા સમય થી કરવામાં આવતી નથી.
• ભાર વગરના ભણતરનો વિચાર સુંદર, બેગલેસ દિવસની જાહેરાત અગાઉ પણ કરવામાં આવી હતી.
• બેગલેસ દિવસે વ્યાયામ રમત ગમત પ્રવૃત્તિ પણ અનેક શાળાઓ મેદાન વગરની ચાલી રહી છે તો કેવી રીતે બાળકો માટે રમત-ગમત પ્રવૃત્તિ થશે
• પ્રવેશોત્સવના નામે લાખો રૂપિયાની જાહેરાતો કરતી ભાજપા સરકાર શિક્ષકોની ભરતી ઉત્સવ ક્યારે કરશે ?
• બેગલેસ દિવસથી બાળકોને એક દિવસ ભારેખમ બેગથી રાહત મળશે. પણ ગરીબ – સામાન્ય – મધ્યમ વર્ગના વાલીઓને મસમોટી ફી માંથી ક્યારે રાહત મળશે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!