31.3 C
Gujarat
Friday, August 28, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લામાં ગરનાળા એટલે ભ્રષ્ટાચારનો કુવો !! સરકારી ગ્રાન્ટનું સરેઆમ ચીરહરણ !!...

અરવલ્લી જિલ્લામાં ગરનાળા એટલે ભ્રષ્ટાચારનો કુવો !! સરકારી ગ્રાન્ટનું સરેઆમ ચીરહરણ !! કોની મિલીભગત ?

0

અરવલ્લી જિલ્લામાં વિકાસ ના કામોમાં એટલી ગતિ વધી છે કે, કહેવું મુશ્કેલ છે. આ ગતિ હવે લીમીટ બહાર જતી રહેતા, કોઈપણ સમયે અકસ્માત સર્જી શકે છે અને આ અકસ્માતમાં કોઈ નિર્દોશ અધિકારી ભોગ લેવાઈ જાય તો નવાઈ નહીં. આવું એટલા માટે કહેવું પડે છે, કારણ કે, હવે તો ગરનાળા બનાવવામાં પણ ભ્રષ્ટાચારની બુમો ઉઠવા પામી હતી. થોડા દિવસ પહેલા ધનસુરાના આમોદરામાં સ્કૂલ સામે ગરનાળાની આર.સી.સી. શીયર વોલ ના બે કટકા થઈ ગયા હતા, હવે આવી જ સ્થિતિ મોડાસાના ધુનાવાળા થી રવિપુરાકંપા વચ્ચે જોવા મળી રહ્યું છે. અહીં ગરનાળું ક્યારે બનાવાયું હતું તે ખ્યાલ નથી પણ આર.સી.સી. શીયર વોલ એ છાતી કાઢી છે.

મોડાસા તાલુકાના ધુનાવાળા થી નવા એટલે કે, રવિપુરા કંપા ની આગળ જતાં ચાર જેટલા ગરનાળા આવેલા છે, જે કેટલાક જુના છે, તે તુટી ગયા છે, જ્યારે કરોડોના ખર્ચે નાનું પુલિયું કે ગરનાળું તૈયાર કરાયું છે, તેમાં સ્લેબ ન ભર્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું અને અહીં માત્ર પુરણ કરી દેવામાં આવ્યું છે. વધુ એક ગરનાળું માત્ર પાઈપો મુકીને ઉપર પુરણ કરવામાં આવ્યું હોવાની રાવ ઉઠવા પામી છે. આ રોડ વર્ષોથી તૂટી ગયો છે, જોકે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ જાણે નિદ્રાધિન હોય, તેવું લાગે છે.

આ રોડ પર આવેલા ગરનાળાના જે કામ થયા છે, તે યોગ્ય રીતે થયા છે કે નહીં તે તપાસનો વિષય છે. અહીં ખેત મજૂર અને ખેતી સાથે જોડાયેલા લોકોને ખ્યાલ ન આવતો હોવાથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની બૂમો ઉઠવા પામી છે. ચોક્કસ દિશામાં તપાસ કરવામાં આવે, તો ખ્યાલ આવી શકે કે, અહીં શું રંધાઈ ગયું છે. હાલ, તો એવું લાગી રહ્યું છે કે, સરકાર ભલે કરોડો રૂપિયા વિકાસના કામો માટે આપે, પણ અહીં તો, અધિકારી કળા કરીને કુવા ભરવામાં મસ્ત હોય, તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!