ગુજરાત પ્રદેશ પ્રમુખની વરણી કરી દેવામાં આવી છે, બે દિવસ પહેલા ગાંધીનગર ખાતે નવીન પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે વરણી પામ્યા છે, હવે ચર્ચાઓ એ ચાલી રહી છે કે, નવા મંત્રીમંડળમા કોનો સમાવેશ થવાનો છે. ઘણાં સમયથી આ ચર્ચાઓ ચાલી રહી છે કે, મંત્રીમંડળનું વિસ્તરણ આજે થશે, હવે ટૂંક સમયમાં થશે. નવરાત્રી સમયે પણ આવી ચર્ચાઓ સોશિયલ મીડિયા અને મીડિયા પર ચાલી હતી. એટલું જ નહીં, વાત એટલે સુધી ચાલી હતી કે, નવરાત્રીમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે. હવે કયા મંત્રીઓના પત્તા કપાશે અને કોણ આવશે, તેને લઇને આમ આદમી પાર્ટીએ વ્યંગ કર્યો છે.
પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટીની જન સંપર્ક અભિયાન અંતર્ગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપ નેતા અને ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પહોંચ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપના નેતાઓ પર વ્યંગ કર્યો હતો. પંચમહાલ જિલ્લામાં જન સંપર્ક અભિયાનમાં પહોંચેલા ગોપાલ ઈટાલિયાને મીડિયા સવાલ કર્યો કે, ચૈતર વસાવાને મંત્રી પદની ઓફર કરવામાં આવી છે, જેના જવાબમાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, ભાજપના મંત્રી બનવું તેના કરતા ખેતી કરવી સારી. ભાજપના મંત્રીઓ મનમાં મુંજાઈ રહ્યા છે. તેમણે એક દાખલો આપતા, જણાવ્યું કે, કેટલાક મંત્રીઓ મનમાં પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે. કોઈ કહેતું નથી કે, તેમનું મંત્રી પદ રહેશે કે નહીં ? આગામી દિવાળી આવી રહી છે ત્યારે દિવાળી કાર્ડમાં મંત્રી લખવું કે, ધારાસભ્ય !!!

ઘણાં સમયથી મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે આમ આદમી પાર્ટીએ ભાજપના મંત્રીઓની રમૂજ કરી. ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, હવે વર્તમાન મંત્રીઓ રહેશે કે નહીં, તેને લઇને ઘણાં મંત્રીઓને ચિંતા સતાવી રહી છે. તેમણે વધારે ઉમેર્યું કે, જો કાર્ડમાં મંત્રી લખ્યું અને પત્તુ કપાઈ ગયું તો !!!! તેઓ વધુમાં જણાવે છે કે, જો મંત્રીને પોતાની ખબર નથી, એટલે આવા મંત્રી રહેવા કરતા, ખેતરમાં ઘાસ કાપવું સારૂ. છેલ્લે તેમણે કહી દીધું કે, ભાજપ તેમના મંત્રીઓને પટાવાળા કરતા વધારે સુવિધા આપો, તેટલું ઘણું છે.






