અકસ્માત સ્થળે જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક અને પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, મામલતદાર ગોપી મહેતાએ સ્થળ પર નિરીક્ષણ કર્યું
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગત મોડીરાત્રે ખાનગી એમ્બ્યુલન્સમાં આગની ઘટના સામે આવી છે. આ આગમાં ૧ દિવસના નવજાત બાળક, બાળકના પિતા, ડોક્ટર અને નર્સના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા અને બાળકના દાદી અને મોટા પપ્પા હાલમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
મહીસાગરથી આવેલા પરિવાર ૧ દિવસના બાળકને સારવારઅર્થે અમદાવાદ લઈ જતા હતા ત્યારે આ આગની ઘટના બની હતી.
આ દુખદ ઘટનાની જાણ થતા જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક અને મોડાસા મામલતદાર ગોપી મહેતાએ ઘટનાસ્થળ અને સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી તેમને મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી. તો સાર્વજનિક હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોની પણ મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. અને ઘટનાની તપાસ અંગે સૂચનો કર્યા હતા.
તો જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અને ઘટનાની તપાસ કરવા સૂચન કર્યા હતા. હાલમાં આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઘટનામાં જરૂર પડે FSLની ટીમની પણ મદદ લેવામાં આવશે.
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ દુખદ ઘટના અંગે શોક વ્યકત કરવામાં આવ્યો છે. અને ભગવાન મૃતકોના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી






