27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી: વિશ્વકર્મા યોજનાના 45 તાલીમાર્થીઓને કીટ ન આપવામાં કોનો રોલ ? તાલીમાર્થીઓએ...

અરવલ્લી: વિશ્વકર્મા યોજનાના 45 તાલીમાર્થીઓને કીટ ન આપવામાં કોનો રોલ ? તાલીમાર્થીઓએ કલેક્ટરને Mann Ki Baat પહોંચાડી

0
171

પી.એમ.વિશ્વકર્મા યોજનાના 45 લાભાર્થીઓનો કીટ માટે રઝડપાટ… કેન્દ્ર થી જિલ્લા સેવા સદન સુધીના આંટાફેરા
જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી જણાવ્યું કે, તેની વાત કોઈ જ સાંભળતું નથી
“આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તાલીમ મેળવી… પણ કીટ મળતી નથી…”
“લાભાર્થીઓએ પત્રમાં કરી મનની વાત, કહ્યું, આશા હતી કે, નાનો રોજગાર કરીશું..પણ…”

અંકિત ચૌહાણ/જય અમીન
સ્વદેશી, લઘુ ઉદ્યોગ તેમજ ઘરે બેસીને મહિલાઓ રોજગારી મેળવી શકે તે માટે સરકાર દ્વારા વિશ્વકર્મા યોજના શરૂ કરી છે, જોકે આ યોજનામાં તાલીમ લીધા પછી, લાભાર્થીઓને કીટ ન આપવામાં આવતી હોવાની બૂમો ઉઠવા પામી છે. બસ આ જ સમસ્યાને લઇને 45 લાભાર્થીઓએ અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી સુધી જવું પડ્યું હતું.

વાત જાણે એમ છે કે, અરવલ્લી જિલ્લાના વિશ્વકર્મા યોજનાના 45 જેટલા લાભાર્થીઓએ મોડાસાના માલપુર રોડ પર આવેલા બાલાજી કોમ્પ્લેક્ષ ખાતે આવેલા વિશ્વકર્મા તાલીમ કેન્દ્ર ખાતેથી તાલીમ મેળવી હતી. તેમણે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી કે, તા-૧૩/૦૩/૨૦૨૪ થી તા-૨૨/૦૩/૨૦૨૪ સુધી તેમણે સીલાઈ એટલે કે, દરજી કામ માટેની તાલીમ લીધી, ત્યારબાદ પી.એમ. વિશ્વકર્મા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓએને સ્ટાઇપેંડ પણ ચુકવવામાં આવેલ હતું, પરંતુ તાલીમ લીધા બાદ ટુલ કીટ આપવામાં આવેલ નથી. તાલીમાર્થીઓ પોતાના મનની વાત કરતા જણાવ્યું કે, તેમની ટુલ કીટ માટે વાઉચર કોડ દર 6 મહીને તારીખ ચેન્જ કરી રીન્યુ થાય છે, પરંતુ પોસ્ટમાં કે તાલીમ સેન્ટરથી ટુલ કીટ આપવામાં આવતું નથી. આ અંગે જિલ્લા કચેરીએ અને કેન્દ્રમાં રજૂઆત કરવા છતાં પણ તેમની વાત સાંભળવામાં આવતી નથી.

અરવલ્લી જિલ્લા કલેક્ટરને પી.એમ. વિશ્વકર્મા યોજનાના તાલીમાર્થીઓએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે, તેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી, જે કારણોથી તેમણે તાલીમ લીધેલ હતી. તેમને એવી આશા હતી કે, ટુલ કીટ મળશે તો તેઓ પોતાના પગભર થઈ નાનો ધંધો કરશે. પરંતુ ટુલ કીટ મેળવવા માટે કચેરીઓના આંટાફેર કરવા પડે છે, જોકે ક્યાંયથી પણ યોગ્ય જવાબ મળતો નથી.

અહીં સવાલ એ થાય છે કે, જો તાલીમ પૂર્ણ થઈ તો પછી કીટ કેમ પહોંચતી નથી ? કીટ ન આપવાનું કારણ શું હોઈ શકે? લાભાર્થીઓ સુધી કીટ પહોંચાડવાની જવાબદારી કયા વિભાગની, તે તમામ સવાલો અહીં ઉઠી રહ્યા છે. જો આવી યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી નથી પહોંચતો, તો આગામી દિવસોમાં લાભાર્થીઓ પી.એમ. વિશ્વકર્મા યોજનાની તાલીમ લેશે કે નહીં તે પણ એક સવાલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!