મોડાસા: અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના બાળકો માટે વપરાતા બાલશક્તિ પોષણ આહારના જથ્થાને લઈને સવાલો ઊભા થયા છે. મોડાસા-માલપુર રોડ પર સાકરિયા નજીકથી એક પીકઅપ વાહનમાં મોટી માત્રામાં ગુજરાત સરકારની “બાલશક્તિ” લખેલા કટ્ટા મળી આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ, શંકાસ્પદ પીકઅપને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી, જ્યાં જથ્થા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક ચર્ચા મુજબ આ જથ્થો મહિસાગર જિલ્લાના ખાનપુર વિસ્તારથી કોઈ આધાર પુરાવા વગર અન્ય જિલ્લામાં લઈ જવામાં આવી રહ્યો હતો. મોડાસા ગ્રામ્ય પોલિસ મથકે પીકઅપ ડાલું લવાયું ત્યારે મોડાસા તાલુકા પુરવઠા વિભાગના અધિકારી પહોંચ્યા હતા, જ્યાં પ્રાથમિક તપાસમાં કોઈ બિલ અથવા તો ચલન મળ્યા નહોતા. ત્યારબાદ આ જથ્થો આઈસીડીએસ વિભાગનો હોવાની પ્રાથમિક જાણ થતાં આઆસીડીએસ વિભાગની ટીમ પહોંચી પણ…અહીં મોડાસા આઈસીડીએસ વિભાગના કયા કર્મચારી ફરિયાદ નોંધાવે તેના પર ચર્ચા ચાલી હતી..
સૂત્રોના જણાવ્યા મુજબ, આંગણવાડીના બાળકો માટે ફાળવવામાં આવતા પોષણ આહારની આંતરજિલ્લા હેરાફેરી કરવામાં આવી રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, અધિકૃત રીતે આ જથ્થો કયા જિલ્લાના ઘટકનો છે અને તેનું પરિવહન કયા હેતુથી કરવામાં આવી રહ્યું હતું તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. એક વાત ચોક્કસ છે કે, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આ પોષણ આહાર લઈ જવાતો નથી, પણ આ જથ્થો ક્યાં લઈ જવાતો હતો અને કોની દેખરેખમાં હેરાફેરી થતીં હતી, તેના પર યક્ષ પ્રશ્ન છે.
સૌથી મોટો સવાલ એ છે કે ઝડપાયેલો બાલશક્તિ પોષણ આહાર અરવલ્લી જિલ્લાના કોઈ ઘટકનો છે કે પછી મહિસાગર જિલ્લાના કોઈ કેન્દ્રનો? સમગ્ર મામલે પોલીસ અને સંબંધિત વિભાગની તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. લાંબી ચર્ચાઓ ચાલ્યા પછી, મોડાસા ઘટકના અધિકારીઓ દ્વારા ફરિયાદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

