27.3 C
Gujarat
Tuesday, August 25, 2026
Home HeadLines અરવલ્લીને પાસપોર્ટ સેવા કેન્દ્રની સુવિધા નહીં, જિલ્લાની નેતાગીરી નબળી હોવાથી અરજદારોને અમદાવાદ...

અરવલ્લીને પાસપોર્ટ સેવા કેન્દ્રની સુવિધા નહીં, જિલ્લાની નેતાગીરી નબળી હોવાથી અરજદારોને અમદાવાદ સુધી ધક્કા

0
33

અરવલ્લી જિલ્લાની રચનાને 13 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં અનેક મહત્વની કચેરીઓની સેવાઓ માટે અરજદારોને હજુ સાબરકાંઠા અને અમદાવાદના ધક્કા ખાવા પડે છે.

અરવલ્લી જિલ્લાની રચના થયાને વર્ષો વીતી ગયા હોવા છતાં જિલ્લાને હજુ પણ કેટલીક મહત્વની કચેરીઓ અને સેવાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે. ખાસ કરીને કેન્દ્ર સરકારની સેવાઓ પૂરી પાડતું પાસપોર્ટ સેવા કેન્દ્ર હજુ સુધી અરવલ્લી જિલ્લામાં શરૂ થયું નથી. હાલમાં અરજદારોને પાસપોર્ટ સંબંધિત કામગીરી માટે સાબરકાંઠાના હિંમતનગર અથવા અમદાવાદ સુધી જવું પડે છે.

પાસપોર્ટ માટે અરજી કર્યા બાદ દસ્તાવેજોની ચકાસણી કે અન્ય પ્રક્રિયામાં કોઈ ક્ષતિ રહી જાય તો અરજદારને ફરીથી એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. આવી સ્થિતિમાં અરવલ્લીના અંતરિયાળ વિસ્તારોમાંથી અરજદારોને વારંવાર અમદાવાદ સુધીના ધક્કા ખાવા પડે છે, જેના કારણે સમય અને નાણાં બંનેનો વ્યય થાય છે.

સ્થાનિક લોકોમાં એવી લાગણી પણ જોવા મળી રહી છે કે અરવલ્લી જિલ્લાની રચના બાદ પણ જિલ્લાને જરૂરી સરકારી કચેરીઓ અને સેવાઓ અપાવવામાં સ્થાનિક રાજકીય નેતૃત્વ પૂરતું અસરકારક સાબિત થયું નથી. પરિણામે અરવલ્લીના લોકોને આજે પણ પડોશી જિલ્લામાં જતી સેવાઓ માટે અન્ય શહેરોનો આશરો લેવો પડે છે.

મોડાસા ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવે તો અરવલ્લી ઉપરાંત આસપાસના વિસ્તારોના હજારો અરજદારોને સીધો લાભ મળી શકે તેમ છે. અરજદારોની લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીનો અંત લાવવા સરકાર અને સ્થાનિક નેતાઓએ મોડાસા ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી રહી છે.

13 વર્ષ બાદ પણ જિલ્લાને સંપૂર્ણ વહીવટી અને નાગરિક સુવિધાઓ કેમ મળી નથી? આ સવાલ હવે અરવલ્લીની નેતાગીરી સામે પણ ઊભો થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!