30.3 C
Gujarat
Sunday, September 20, 2026
Home ગુજરાત News from Gujarat પંચમહાલ:ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુ જલ્દી આના ના નાદ વચ્ચે ગોધરા...

પંચમહાલ:ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુ જલ્દી આના ના નાદ વચ્ચે ગોધરા શહેરમાં દુંદાળા દેવનુ રામસાગરમાં વિસર્જન

0

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન થયું હતું. ગોધરા ખાતે પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ શહેરની મધ્યમાં આવેલા રામ સાગર તળાવ ખાતે ભક્તિભાવ પૂર્વક ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા રામ સાગર તળાવ ખાતે ત્રણ જેટલી વિશાળ ક્રેન ગોઠવવામાં આવી હતી. ‘ગણપતિ બાપા મોરિયા’ના નાદ સાથે ગોધરા શહેરના માર્ગો ગુંજી ઊઠ્યા હતા. બાપાને ભારે હૃદયે અને ભીની આંખે ભાવભીની વિદાય આપી હતી. વિશ્વકર્મા ચોક ખાતે રાજકીય આગેવાનો અને પદાધિકારીઓ, શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાર્વજનિક ગણેશ મંડળના ગણપતિની આરતી પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ક્રમ અનુસાર ગણેશ સવારીઓ નીકળી હતી અને નિયત કરેલા રૂટ પર ફરીને રામ સાગર તળાવ ખાતે પહોંચી હતી.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ખાતે પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવની વાજતે ગાજતે અને ડીજેના તાલે વિદાય આપવામાં આવી હતી સાર્વજનિક ગણેશ મંડળના ગણેશ મુર્તિ ખાતે આરતી ઉતારવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર અજય દહિયા, એસપી હરેશ દુધાત, ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજી, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગોધરા શહેરના વિશ્વકર્મા ચોક ખાતેથી ગણેશ વિસર્જન યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે મોચી વાડ, પટેલવાડા, રાણી મસ્જિદ, પોલન બજાર, રણછોડજી મંદિર થઈ રામ સાગર તળાવ પહોંચી હતી, જ્યાં વિશાળ ક્રેન ગોઠવવામાં આવી હતી. આ તરફ જૂના એસ.ટી. સ્ટેશન, લાલબાગ બસ સ્ટેશન પાસેના રામ સાગર તળાવ ખાતે પણ વિશાળ ક્રેન ગોઠવવામાં આવી હતી. નાની મોટી અનેક મૂર્તિઓનું પણ અહીં વિસર્જન કરવામાં આવ્યું હતું.

ગણેશ વિસર્જન યાત્રામાં પંચમહાલ પોલીસના સાયબર સુરક્ષા, મહિલા અને બાળ સુરક્ષા, યુવા જાગૃતિના સંદેશા વાળા ટેબ્લોએ ધ્યાન ખેંચ્યું હતું. ઇકો ફ્રેન્ડલી વિશાળ માટીની ગણેશ મૂર્તિ જોઈને ભાવિકો પણ અભિભૂત થયા હતા. ગોધરા વાસીઓએ ઢોલ નગારાના અને ડીજેના તાલ સાથે ગરબા કર્યા હતા. ગોધરા શહેરમાં નાની મોટી મળીને ૫૦૦થી વધુ મૂર્તિઓનું વિસર્જન રામસાગર તેમજ ગોધરાને છેવાડે આવેલા કનેલાવ તળાવમાં કરવામાં આવ્યું હતું. શહેરા નગરમા પણ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરાના વિવિધ માર્ગો પર ફરી વિસર્જન સવારી નગરપાલિકા તળાવ ખાતે પહોંચી હતી જ્યાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!