29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines IND vs NZ T20 Match : ભારતનો શાનદાર વિજય, ન્યૂઝીલેન્ડને 48 રને...

IND vs NZ T20 Match : ભારતનો શાનદાર વિજય, ન્યૂઝીલેન્ડને 48 રને હરાવ્યું, અભિષેક-રિંકુ છવાયા

0
38

નાગપુરમાં રમાયેલી પ્રથમ ટી20માં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે શાનદાર વિજય થયો છે. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટે 238 રન નોંધાવી રનનો ખડકલો કરી નાખ્યો હતો, જેની સામે ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 190 રન બનાવતા તેનો 48 રને પરાજય થયો છે. ભારત તરફથી અભિષેક શર્માએ ફિફ્ટી ફટકારી હતી, તો રિંકુએ પણ તોફાની બેટિંગ કરી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સની તોફાની બેટિંગ બેકાર ગઈ છે.

ભારત તરફથી અભિષેક-રિંકુની તોફાની બેટિંગ
ભારત તરફથી અભિષેક શર્માએ વિસ્ફોટક બેટિંગ કરતા 8 સિક્સ અને 5 ફોરની મદદથી 35 બોલમાં 84 રન ફટકાર્યા હતા, જેમને ઈશ સોઢીએ આઉટ કર્યા હતા. સંજુ સેમસને 7 બોલમાં 10 રન (2 ફોર) બનાવી કાઈલ જેમિસનનો શિકાર બન્યા હતા, જ્યારે ઈશાન કિશને 5 બોલમાં 8 રન (2 ફોર) બનાવી જેકબ ડફીની ઓવરમાં વિકેટ ગુમાવી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 22 બોલમાં 32 રન (4 ફોર, 1 સિક્સ) નોંધાવ્યા હતા અને મિચેલ સેન્ટનરની ઓવરમાં આઉટ થયા હતા. હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 25 રન (3 ફોર, 1 સિક્સ) કર્યા હતા અને જેકબ ડફીની ઓવરમાં કેચ આઉટ થયા હતા. શિવમ દુબેએ 4 બોલમાં 9 રન (1 સિક્સ) બનાવી કાઈલ જેમિસનને પોતાની વિકેટ આપી હતી. રિંકુ સિંહે 20 બોલમાં અણનમ 44 રન (4 ફોર, 3 સિક્સ) અને અર્શદીપ સિંહે 6 બોલમાં અણનમ 6 રન (1 ફોર) બનાવ્યા હતા. અક્ષર પટેલ 5 બોલમાં 4 રન બનાવી ક્રિસ્ટિયન ક્લાર્કનો શિકાર બન્યા હતા.

ન્યૂઝીલેન્ડ તરફથી ડફી અને જેમિસનની બે-બે વિકેટ
ન્યૂઝીલેન્ડના બોલરોએ ભારત વિરુદ્ધ રમાયેલી આ મેચમાં કુલ 20 ઓવર ફેંકી હતી, જેમાં જેકબ ડફી સૌથી સફળ બોલર રહ્યો હતો જેણે 4 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટો ઝડપી હતી. કાઈલ જેમિસને પણ 2 વિકેટ મેળવી હતી, જોકે તેણે 4 ઓવરમાં 54 રન ખર્ચ્યા હતા. ક્રિસ્ટિયન ક્લાર્કે 4 ઓવરમાં 40 રન આપી 1 વિકેટ, ઈશ સોઢીએ 3 ઓવરમાં 38 રન આપી 1 વિકેટ અને કેપ્ટન મિચેલ સેન્ટનરે 3 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ગ્લેન ફિલિપ્સે 1 ઓવરમાં 30 રન અને ડેરીલ મિચેલે 1 ઓવરમાં 21 રન આપ્યા હતા, પરંતુ આ બંને બોલરોને કોઈ વિકેટ મળી ન હતી. ન્યૂઝીલેન્ડના બોલરોએ ઈનિંગ દરમિયાન કુલ 14 વાઈડ બોલ ફેંક્યા હતા.

ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સની તોફાની બેટિંગ
ડેવોન કોનવે શૂન્ય રને અર્શદીપ સિંહનો શિકાર બન્યો હતો. ટીમ રોબિન્સને 15 બોલમાં 2 ફોર અને 1 સિક્સ સાથે 21 રન બનાવ્યા અને વરુણ ચક્રવર્તીની ઓવરમાં આઉટ થયો હતો. રચિન રવિન્દ્ર 5 બોલમાં માત્ર 1 રન કરી હાર્દિક પંડ્યાની બોલિંગમાં આઉટ થયો. જ્યારે ગ્લેન ફિલિપ્સે શાનદાર બેટિંગ કરતા 40 બોલમાં 4 ફોર અને 6 સિક્સની મદદથી સૌથી વધુ 78 રન ફટકાર્યા હતા અને અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. માર્ક ચેપમેને 24 બોલમાં 4 ફોર અને 2 સિક્સ સાથે 39 રન બનાવ્યા અને તેને પણ વરુણ ચક્રવર્તીએ આઉટ કર્યો હતો. ડેરીલ મિશેલે 18 બોલમાં 4 ફોર સાથે 28 રન બનાવ્યા અને શિવમ દુબેની બોલિંગમાં આઉટ થયો હતો. મિશેલ સેન્ટનરે 13 બોલમાં 2 ફોર સાથે અણનમ 20 રન બનાવ્યા હતા. ક્રિસ્ટિયન ક્લાર્ક શૂન્ય રને શિવમ દુબેનો બીજો શિકાર બન્યો હતો અને કાયલ જેમિસન 2 બોલમાં 1 રન કરી અણનમ રહ્યો હતો.

ન્યૂઝીલેન્ડનો વિકેટ પડવાનો ક્રમ
ન્યુઝીલેન્ડની વિકેટો પડવાનો સિલસિલો શૂન્ય રન પર જ શરૂ થઈ ગયો હતો જેમાં પ્રથમ વિકેટ ડેવોન કોનવેની પડી હતી. ત્યારબાદ માત્ર 1 રનના સ્કોર પર રચિન રવિન્દ્રના રૂપમાં બીજી વિકેટ પડી હતી. ટીમની ત્રીજી વિકેટ 52 રનના સ્કોર પર ટીમ રોબિન્સનની પડી હતી. ગ્લેન ફિલિપ્સ આઉટ થતા 131 રન પર ચોથી વિકેટ પડી અને તેના થોડા સમય બાદ 143 રનના સ્કોર પર માર્ક ચેપમેન આઉટ થતા પાંચમી વિકેટ પડી હતી. ઇનિંગના અંતે 189 રનના સ્કોર પર ડેરીલ મિશેલ તરીકે છઠ્ઠી વિકેટ અને તે જ સ્કોર પર ક્રિસ્ટિયન ક્લાર્કના રૂપમાં સાતમી વિકેટ પડી હતી.

ભારત તરફથી વરુણ અને શિવમન બે-બે વિકેટ
અર્શદીપ સિંહે 4 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ ઝડપી હતી અને તેનો ઈકોનોમી રેટ 7.75 રહ્યો હતો. હાર્દિક પંડ્યાએ 2 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ લીધી હતી જ્યારે જસપ્રિત બુમરાહે 3 ઓવર ફેંકીને 29 રન આપ્યા હતા પરંતુ તેને કોઈ વિકેટ મળી નહોતી. અક્ષર પટેલે 3.3 ઓવરમાં 42 રન ખર્ચ્યા હતા અને 1 વિકેટ મેળવી હતી. વરુણ ચક્રવર્તીએ તેની 4 ઓવરના સ્પેલમાં 37 રન આપીને સૌથી વધુ 2 વિકેટો ઝડપી હતી. શિવમ દુબેએ પણ સારી બોલિંગ કરતા 3 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટો મેળવી હતી અને અભિષેક શર્માએ માત્ર 0.3 ઓવર નાખી હતી જેમાં તેણે 3 રન આપ્યા હતા પણ તેને કોઈ સફળતા મળી નહોતી.

અભિષેકે રેકોર્ડ નોંધાવ્યો
T20 રેન્કિંગમાં નંબર વન બેટર અભિષેક શર્મા ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં છવાઈ ગયો. એક તરફ નિયમિત ટીમ ઈન્ડિયાની વિકેટ્સ પડતી હોવા છતાં તેણે બીજા છેડે ચોગ્ગા છગ્ગા ફટકારવાનું ચાલુ રાખ્યું હતું. માત્ર 22 બોલમાં તેણે અર્ધી સદી ફટકારી હતી. આ સાથે બ્લેક કેપ્સ સામે T20માં તે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનારો ભારતીય બેટર બન્યો હતો. તેણે 8 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 35 બોલમાં 84 રન ફટકાર્યા હતા.

બે વર્ષ બાદ તક મલી છતાં ઈશાન ફેલ
આ મેચમાં ઇશાન કિશન 785 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવા ઉતર્યો હતો. જો કે તે બે વર્ષ બાદ મળેલી આ તક ઝડપી શક્યો નહોતો અને માત્ર 8 રને આઉટ થયો હતો. લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ રહેલો કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મેચમાં 22 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 32 રન બનાવી આઉટ થયો હતો.

ભારતીય ટીમ : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, રિંકુ સિંહ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા.

ન્યુઝીલેન્ડની ટીમ : મિચેલ સેન્ટનર (કેપ્ટન), ડેવોન કોનવે, બેવન જેકોબ્સ, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ રોબિન્સન, જીમી નીશમ, ઈશ સોઢી, જેક ફોલ્ક્સ, માર્ક ચેપમેન, માઈકલ બ્રેસવેલ, રચિન રવીન્દ્ર, કાઈલ જેમિસન, મેટ હેનરી, જેકબ ડફી, ક્રિસ્ટિયન ક્લાર્ક.

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે T20નો રેકોર્ડ
બંને દેશો વચ્ચે આજની મેચ સહિત કુલ 26 T20 રમી
ભારતે આજની મેચ સહિત 13 મેચો જીતી
ન્યૂઝીલેન્ડે 10 મેચ જીતી
ત્રણ મેચો ટાઈ થઈ
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે પાંચ T20I

ન્યુઝીલેન્ડના ભારત પ્રવાસ દરમિયાન આજથી T20I શ્રેણી શરૂ થઈ ગઈ છે. આજે બંને દેશો વચ્ચે નાગપુરમાં રમાયેલી પ્રથમ ટી20માં ભારતનો શાનદાર વિજય થયો હતો. હવે આ શ્રેણીની બીજી મેચ 23 જાન્યુઆરીએ રાયપુરમાં અને ત્રીજી મેચ 25 જાન્યુઆરીએ ગુવાહાટીમાં આયોજિત થશે. ત્યારબાદ ચોથી T20I મેચ 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં અને શ્રેણીની અંતિમ મેચ 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. આ તમામ મેચો રાત્રે 7:00 વાગ્યે શરૂ થશે અને ભારત તથા ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી આ પાંચ મેચોની રોમાંચક શ્રેણી માટે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!