મોડાસા: ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી દ્વારા સમાજસેવાના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનારા આગેવાનોના સન્માન માટે ‘જમુભાઈ ભટ્ટ કર્મયોગી એવોર્ડ 2025-26’ કાર્યક્રમનું આયોજન મોડાસાની સર્વોદય હાઈસ્કૂલના હોલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજસેવા, પ્રાકૃતિક ખેતી, જળસંચય, ટ્રાયબલ વિસ્તારોમાં જનજાગૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સમાજસેવકોનું શાલ અને સન્માનપત્ર અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધનસુરા તાલુકાના બુટાલ ગામના વિનોદચંદ્ર પટેલને દિવ્યાંગજનોના કલ્યાણ માટે લાંબા સમયથી કરવામાં આવી રહેલી સેવાકીય કામગીરીને ધ્યાનમાં રાખી ‘જમુભાઈ ભટ્ટ કર્મયોગી એવોર્ડ 2025-26’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી સંસ્થા સમાજસેવા, પર્યાવરણ સંરક્ષણ, જળસંચય, ગ્રામ વિકાસ અને જનજાગૃતિ જેવા વિવિધ ક્ષેત્રોમાં સતત કાર્યરત છે. સંસ્થામાં નિવૃત્ત અધિકારીઓ તેમજ વિવિધ ક્ષેત્રોના આગેવાનો જોડાયેલા છે અને સમાજહિતના કાર્યોને પ્રોત્સાહન આપવા માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજસેવકો, આમંત્રિત મહેમાનો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહી સન્માનિત થયેલા કર્મયોગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.






