મોડાસા નગર પાલિકા વિસ્તારમાં સી.સી. રોડ અને પેવર બ્લોકની કામગીરી પર નજર કરવી જરૂરી
મોડાસા ચાર રસ્તાથી બજાર વિસ્તારના રોડને અવોર્ડ માટે નોમિનેશન કરવા જોઈએ
ગ્રામ્ય વિસ્તારોના ડામર રોડની ચકાસણી જરૂરી
ભિલોડા, મેઘરજ અને માલપુર તાલુકાઓમાં પણ ડામર રોડ કેવા છે, અને પેચવર્કના નામે ગ્રાન્ટ ચાઉં તો નથી થઈ ને !!!
બોર-મોટર, ગરનાળાં, પેવર બ્લોક ના નામે ગ્રામ્ય વિસ્તારોની ગ્રાન્ટમાં શું થતું હશે?
અરવલ્લી જિલ્લામાં હાલ, જનપ્રતિનિધિઓના ઉપરવટ રહી, લોકોની આંખોમાં ધૂળ નાખવાનું કામ કેટલાક ભ્રષ્ટ બાબુઓ કોન્ટ્રાક્ટર સાથે મળી કરતા નજરે પડે છે. ખાસ કરીને ડામર રોડ, સીસી રોડ, આર.સી.રોડ સહિત બાંધકામ ક્ષેત્રે મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જોકે હવે અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપના મેદાને ઉતરી ગયા હોય, તેવું લાગે છે. હાલ તો, મોડાસા તાલુકાના દાવલી નજીકની કહેવાતી બેસ્ટ કામગીરીનો પર્દાફાશ થયો છે. જેમાં ડામર રોડની હલકી ગુણવત્તાને લઈને માર્ગ અને મકાન વિભાગ, પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓનો સ્થળ પર જ ઉધડો લઈ લીધો હોવાની વાતોએ જોર પકડ્યું છે. કારણ એટલું કે, પ્રજાના પૈસાનો વેડફાટ અને પ્રજા પરેશાન. આ માટે જ અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ હવે, સ્થળ પર પહોંચી કામગીરીનું નિરીક્ષણ કરવાની તૈયારી દર્શાવતા, લોકોની આશાઓ જીવંત બની હોય તેવું લાગે છે.
અરવલ્લી જિલ્લામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની જોડી કમાલ કરી રહી છે, જેને કારણે લોકોને નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં, માત્ર 2 થી 3 વર્ષમાં રોડ તૂટવા લાગે છે. આવું સમગ્ર અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહ્યું છે. આપણે વિચાર્યું ન હોય, તેવી જગ્યાએ અધિકારીઓ કમાલ કરી જતાં હોય છે, પણ લોકોનું ધ્યાન જતું નથી હોતું. વારંવાર રોડ તૂટી જવા, કોન્ટ્રાક્ટર્સ ને બ્લેક લિસ્ટ ન કરવા અને પેચવર્ક ના નામે કેટલાય રૂપિયા ચાઉં થઈ જતાં હશે, તે તો ભગવાન જાણે. પણ પેચવર્ક ના નામે કંઈક તો રંધાઈ જતું હશે, તે વાત નક્કી જ છે.






