29.8 C
Gujarat
Tuesday, July 28, 2026
Home HeadLines CWG 2026: શર્મિલાએ દેશ માટે બીજો ગોલ્ડ જીત્યો; મોડી રાતે ભારતે વધુ...

CWG 2026: શર્મિલાએ દેશ માટે બીજો ગોલ્ડ જીત્યો; મોડી રાતે ભારતે વધુ 4 મેડલ જીત્યા

0
3

ભારતીય પેરા એથ્લેટ શર્મિલાએ ‘વિમેન્સ શોટ પુટ F57’ વર્ગની ફાઈનલ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતા 9.81 મીટરનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરીને ગોલ્ડ પોતાના નામે કર્યો. તેમણે છ પ્રયાસોમાં ક્રમશઃ 9.48, 9.58, 9.81, 9.17, 9.37 અને 9.60 મીટરનું પ્રદર્શન કર્યું. ત્રીજા પ્રયાસમાં મેળવેલ 9.81 મીટર તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. આ સિદ્ધિ સાથે શર્મિલાએ પોતાનો સીઝન બેસ્ટ પણ નોંધાવ્યો.

ઘાનાની ઝિનાબુ ઇસાહે 8.65 મીટરના સર્વશ્રેષ્ઠ પ્રયાસ સાથે સિલ્વર મેડલ જીત્યો. આ પ્રદર્શન પણ તેમનો સીઝન બેસ્ટ રહ્યો. બીજી તરફ, ભારતની શિલ્પા કંચુગરકોપ્પાલુ શાયલાએ 7.26 મીટરના સર્વશ્રેષ્ઠ પ્રયાસ સાથે બ્રોન્ઝ મેળવ્યો. તેમણે 6.69, 6.95, 7.26, 6.91 અને 7.09 મીટરના પ્રયાસો કર્યા, જ્યારે છઠ્ઠો પ્રયાસ અમાન્ય રહ્યો હતો. છતાં 7.26 મીટરનું પ્રદર્શન તેમના માટે પર્સનલ બેસ્ટ સાબિત થયું.

બીજી તરફ, ભારતીય હાઈ જમ્પ ખેલાડી સર્વેશ અનિલ કુશારેએ ફાઈનલ મુકાબલામાં શાનદાર પ્રદર્શન કરતા 2.25 મીટરની છલાંગ સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. કડક મુકાબલામાં તેઓ જમૈકાના રોમેન બેકફોર્ડ સામે ગોલ્ડ મેડલ જીતવાથી ખૂબ જ સામાન્ય અંતરથી ચૂકી ગયા. બંને ટોચના ખેલાડીઓએ 2.25 મીટરની સમાન ઊંચાઈ પાર કરી હતી, પરંતુ પ્રયાસોની સંખ્યાના આધારે (કાઉન્ટબેક) નિર્ણય લેવાયો, જેમાં જમૈકાના ખેલાડીને ફાયદો મળ્યો. ઇંગ્લેન્ડના કિમાની જેક 2.20 મીટરની છલાંગ સાથે ત્રીજા સ્થાને રહ્યા. ભારતના આદર્શ રામ જ્યોતિ શંકર 2.15 મીટરની છલાંગ સાથે પાંચમા સ્થાને રહ્યા.

તેમજ, પુરુષોની 79 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતના વલ્લુરી અજય બાબુએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. અજય બાબુએ કુલ 330 કિલો વજન (149 સ્નેચ (ગેમ રેકોર્ડ) + 181 ક્લીન એન્ડ જર્ક) ઉઠાવ્યું. મલેશિયાના એરી હિદાયત મુહમ્મદ કુલ 331 કિલો (ગેમ રેકોર્ડ) સાથે ટોચ પર રહ્યા, જેમણે સ્નેચમાં 147 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 184 કિલો વજન ઉઠાવ્યું. ઇંગ્લેન્ડના ક્રિસ મરેએ કુલ 325 કિલો વજન (148 સ્નેચ + 177 ક્લીન એન્ડ જર્ક) સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!