શામળાજી ખાતે ભાદરવી પૂર્ણિમા અને શ્રાદ્ધ પક્ષના પ્રારંભે પદયાત્રીઓનું ઘોડાપૂર, નિજ મંદિર ફૂલોથી શણગારાયું, ૧ લાખથી વધુ દર્શનાર્થીઓ ઉમટ્યા
યાત્રાધામ શામળાજી ખાતે ભાદરવી પૂર્ણિમાએ ઉમટ્યું માનવ મહેરામણ,હજારો ભક્તોએ પગપાળા પહોંચી ભગવાન શામળિયાના ચરણોમાં શીશ ઝુકાવ્યું
આજથી શરૂ થતાં શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓના મોક્ષાર્થે ભગવાન વિષ્ણુના દર્શનનું અનેરું મહત્વ,નિજ મંદિરને દેશ-વિદેશના આકર્ષક ફૂલોથી સજાવાયું, ઠાકોરજીને કરાયો વિશેષ અલૌકિક શણગાર
ભક્તોના ભારે ધસારાને કારણે મંદિર નિર્ધારિત સમય કરતાં એક કલાક વહેલું ખોલાયું
અરવલ્લી જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં ભાદરવી પૂર્ણિમા નિમિત્તે ભક્તિનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું
આજથી શરૂ થતા શ્રાદ્ધ પક્ષના પ્રથમ દિવસે ભગવાન શામળિયાના દર્શન કરવા વહેલી સવારથી જ હજારો ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. સામાન્ય રીતે ભાદરવી પૂર્ણિમાથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થતો હોવાથી પિતૃઓના મોક્ષ માટે ભગવાન વિષ્ણુ સ્વરૂપ ગદાધર શામળિયાના દર્શનનું શાસ્ત્રોક્ત વિશેષ મહત્વ રહેલું છે. ભાદરવી પૂનમે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ શામળાજી પહોંચી કાળિયા ઠાકોરના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભાદરવી પૂર્ણિમા એટલે જગતજનની મા અંબાનો પ્રાગટ્ય દિવસ, જ્યાં લાખો માઈભક્તો પગપાળા અંબાજી પહોંચે છે. ત્યારે બીજી તરફ, યાત્રાધામ શામળાજી ખાતે પણ ભાદરવી પૂનમે પગપાળા આવી દર્શન કરવાનું એક અનેરું માહાત્મ્ય છે. ભાદરવા સુદ પૂર્ણિમાથી શ્રાદ્ધ પક્ષ શરૂ થતો હોવાથી પિતૃઓના મોક્ષ અને શાંતિ માટે વિષ્ણુ ભગવાનની પૂજા-અર્ચના ઉત્તમ માનવામાં આવે છે. આ ધાર્મિક મહત્વને લઈ અરવલ્લી સહિત આસપાસના જિલ્લાઓમાંથી હજારો પદયાત્રીઓ મોડી રાતથી જ શામળાજી ધામમાં આવી પહોંચ્યા હતા.
યાત્રિકો માટે હાઈવે માર્ગો પર ઠેર-ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા-નાસ્તો, ભોજન અને વિસામાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોના અભૂતપૂર્વ ઘસારાને જોતાં મંદિર પ્રશાસન દ્વારા નિજ મંદિરને નિયત સમય કરતાં એક કલાક વહેલું ખોલવામાં આવ્યું હતું. ભાદરવી પૂનમના પાવન પર્વે નિજ મંદિર પરિસરને સુગંધીદાર ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને ભગવાન શામળિયાને વિશેષ શણગાર ધરાવાયો હતો. મોડી રાતથી જ મંદિર પરિસરમાં ‘જય શામળિયા’ના નારા લગાવતા ભક્તો કતારબદ્ધ ઊભા રહી દર્શન કરી પિતૃઓના કલ્યાણ અર્થે પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા.મંદિર ટ્રસ્ટ દ્વારા પગપાળા આવતા યાત્રિકો માટે લીંબુ પાણી તથા આરામ ની સગવડ પુરી પાડવામાં આવી હતી શામળાજી પી.આઇ એસ.એસ. માલ ધ્વારા ગત રાત્રિથી હાઇવે રોડ પર પોલીસ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું મંદિર પરિસરમાં બજારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો





