મોડાસા શહેરની કૃષ્ણપ્રિયાચર્યા સોસાયટીમાં રહેતા અને સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ.હર્ષ પંડ્યા ચકચાર આપઘાત કેસમાં સુરત પોલીસે વધુ એક આરોપી ડોક્ટરની ધરપકડ કરી છે. આરોપી ડોક્ટર અનુજ મહેશ્વરીને પોલીસે દબોચી લીધો છે. આ ઉપરાંત કેસમાં સંડોવાયેલા અન્ય એક ડોક્ટર નિરાલીને ધરપકડ કરવા માટે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જ્યારે બે દિવસ પહેલા ખટોદરા પોલીસે ડોક્ટર દિક્ષીતા ઘેવરિયા અને ડોક્ટર હિના ભૂતની ધરપકડ કરી હતી.
બે દિવસ પહેલા બે ડોક્ટર મહિલા આરોપીની ધરપકડ
પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી કેસમાં સંડોવાયેલા કુલ ચાર આરોપી પૈકી બે મહિલા આરોપી દિક્ષિતા ઘેવરિયા અને હીના ભૂતની ધરપકડ બે દિવસ પહેલા જ કરી હતી. રેગિંગ કમિટીના અહેવાલ મુજબ બંનેનો ભોગ બનનારને ત્રાસ આપવામાં અને દુષ્પ્રેરણા કરવામાં સક્રિય રોલ હતો. આ બંને આરોપીઓને કાયદાકીય સમયમર્યાદામાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.





