26 C
Ahmedabad
Monday, March 4, 2024

પહેલા બંગાળમાં સામ્યવાદીનો, હવે ગુજરાતમાં કૉન્ગ્રેસ-વાવટો સંકેલાઈ રહ્યો છે


મહેન્દ્ર બગડા

Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું. અપેક્ષાથી વધુ સારું પરિણામ ભાજ પ માટે આવ્યું. કૉન્ગ્રેસ અને આપના નેતાઓને તો ખબર જ હતી કે આટલું ભયાનક પરિણામ આવશે. કારણ કે બંને પક્ષ ભાજપવિરોધી મત લઈ જાય એટલે ભાજપ જીતી જાય. આ પરિણામનું ટ્રાયલ-રન ગાંધીનગર કૉર્પોરેશનની ચૂંટણીમાં થઈ ચૂક્યું હતું. ભાજપને વિશ્વાસ હતો કે આપ અને કૉન્ગ્રેસ મતોનું વિભાજન કરી દેશે. આપણે કંઈ વિશેષ એફર્ટ વગર લૅન્ડસ્લાઇડ વિક્ટરી મેળવીશું.

Advertisement

કૉન્ગ્રેસ અને આપના શિરસ્થ નેતાઓ કેટલાક બુદ્ધિ વગરના અથવા તો પોતાના કાર્યકરો પ્રત્યે કેટલા નિષ્ઠુર હશે કે તેમને ખ્યાલ હતો કે ત્રિકોણિયા જંગમાં આપ અને કૉન્ગ્રેસ ભૂંડી રીતે હારશે. તેમના કાર્યકરો, ઉમેદવારો અને તેમના માટે શેરીઓમાં, ગલીઓમાં અને ગામડે ગામડે પ્રચાર કરનાર નાના કાર્યકરોનું ભયાનક અપમાન થશે. ઉમેદવાર પૈસા અને પ્રતિષ્ઠા બધું ગુમાવશે તેવી ખબર હોવા છતાં અરવિંદ કેજરીવાલ કે રાહુલ ગાંધીએ એક પણ વખત ઔપચારિક વિચાર પણ ના કર્યો.

Advertisement

આપ અને કૉન્ગ્રેસ જો થોડો ઘણો સુમેળ સાધી ચૂંટણી લડ્યા હોત તો આટલો કારમો પરાજય ન થયો હોત.
ખેર, ભાજપ જીતી ગયું છે. જે રીતે બંગાળમાં સામ્યવાદી પક્ષ ખતમ થઈ ગયો તેમ કૉન્ગ્રેસ આગામી વર્ષોમાં ગુજરાતમાંથી ખતમ થઈ જશે. હજુ એકાદ ચૂંટણી પૂરતા તેને ઉમેદવાર અને કાર્યકર મળશે, પછી જેમ બંગાળમાં સીપીઆઇએમને ઉમેદવાર પણ મળતા નથી તેમ ગુજરાતમાં પણ કાર્યકરો કે ઉમેદવાર નહીં મળે.

Advertisement

કાર્યકરો કે નેતાઓ એટલે નહીં મળે કે કૉન્ગ્રેસમાંથી ચૂંટણી લડવી એટલે ધસમસતી આવતી ટ્રેન સામે જાણીજોઈને ઊભું રહી જવું. સામે પક્ષે ભાજપમાં કાર્યકરોની ફોજ, નેતાઓનું સતત માર્ગદર્શન અને કંઈક અંશે શહેરી મતદારોનો અવિરત પ્રેમ ભાજપને વધુ ને વધુ મજબૂત બનાવે છે. જે બેઠક લગભગ હારી જવાની અણી પર હોય ત્યાં કાર્યકરો, નેતાઓ લોહીપાણી એક કરી જિતાડી દે છે.

Advertisement

ઉદાહરણ તરીકે સાવરકુંડલા વિધાનસભામાં કૉન્ગ્રેસના પ્રતાપ દુધાત સમગ્ર ગુજરાતમાં હૉટફેવરિટ ઉમેદવાર હતા. આઇબી રિપોર્ટ, ભાજપનો સર્વે વગેરેમાં પ્રતાપ દુધાત કન્ફર્મ જીતતા હતા. કૉન્ગ્રેસના કાર્યકરો પણ ઉત્સાહમાં હતા. ગ્રામીણ વિસ્તારમાં કોરોના સમયમાં કરેલા પ્રતાપભાઈનાં કાર્યો, તાઉતે વાવાઝોડા દરમિયાન જે રીતે લોકોની સાથે તેઓ ઊભા રહ્યા તેના પરથી ભાજપના નેતાઓ પણ માનતા હતા કે આ બેઠક ભાજપ માટે મુશ્કેલ છે.
પરંતુ ભાજપના કાર્યકરોની હોંશ, તેમની જીતવાની વૃત્તિએ આ બેઠક પાતળી માર્જીનથી જીતી બતાવી.

Advertisement

ભાજપ અને કૉન્ગ્રેસમાં પાયાનો ફરક એ છે કે તેના તમામ કાર્યકરો ખૂબ ગંભીરતાથી, જાણે પોતે જ ઉમેદવાર હોય તે રીતે લડે છે. કાર્યકરો એક એક મત માટે ઝઝૂમતા જોવા મળે.

Advertisement

ભાજપના કાર્યકરો ચૂંટણીમાં કેટલા ઇન્વોલ્વ હોય તેનું એક ઉદાહરણ, પરિણામના દિવસની રાત્રીએ મેં મારા ભાજપના કાર્યકર-મિત્ર વિજયસિંહ વાઘેલાને ફોન કર્યો કે ક્યાં છો? રાત્રીના દસ વાગ્યે વિજયસિંહ વાઘેલા પરિણામના આખા દિવસના કાઉન્ટિંગના થાકને કોરાણે મૂકી શહેર સંગઠનના તેના મિત્રો સાવજ (પ્રવીણા સાવજ-શહેર ભાજપ પ્રમુખ), રાજુ નાગ્રેચા, પ્રવીણ કોટિલા, કિશોર બુંહા, અનિરુદ્ધસિંહ, ગૌતમ, લલિત વગેરે પગપાળા કરઝાળા હનુમાનજીના મંદિરે માનતા મૂકવા ગયા. આ હતું તેમનું ભાજપના ઉમેદવાર મહેશ કસવાલા માટેનું ઇન્વોલ્વમેન્ટ. લગભગ વીસ કિલોમીટર દૂર સુધી તેઓ શિયાળાની ઠંડીમાં પગપાળા જીત માટે હનુમાનજીની માનતા ઉતારવા ગયા. હવે આ ટાઇપના પ્રતિબદ્ધ કાર્યકર હોય તો તમે હારેલી સીટ જીતી શકો. પોતાના ઉમેદવાર સાવરકુંડલામાં જીતી ગયા એ માટે આ કાર્યકરો પગપાળા વીસ કિલોમીટર મંદિરે ગયા. લોકો વ્યક્તિગત લાભ માટે પણ પાંચ કિલોમીટર ચાલીને જતા નથી ત્યારે અહીંયાં પ્રમાણમાં નવા કહી શકાય તેવા ઉમેદવાર માટે કાર્યકરોનું આટલું ઇન્વોલ્વમેન્ટ હતું.

Advertisement

આ ઉપરાંત જે પ્રબળ દાવેદારો હતા તેઓ પણ નારાજ થયા વગર ભાજપને જીતાડવા રાત દિવસ ઉમેદવાર સાથે દોડતા રહ્યા. મુખ્ય સુરેશ પાનસૂરિયા, વી.વી. વઘાશિયા,દિપક મલાની, કમલેશભાઈ અને પ્રતીક વગેરે.

Advertisement

સામે પક્ષે કૉન્ગ્રેસના કાર્યકરો કમ-સે-કમ સાવરકુંડલા ખૂબ મહેનતથી લડ્યા, પરંતુ પક્ષના ઉચ્ચ નેતાઓનો તથા માહોલ બનાવવા માટેની ઇવેન્ટ વગેરેનો સપોર્ટ નહીં હોવાથી શહેરી વિસ્તારમાં મતદારો સુધી પહોંચી શક્યા નથી. ગ્રામ્ય વિસ્તારમાં હજુ કૉન્ગ્રેસ થોડી જીવિત છે. બાકી શહેરી વિસ્તારમાં તો તેમનો વાવટો સંકેલાઈ ગયો છે.

Advertisement

આપના નેતાઓ ભાજપના નેતાઓ કરતાં પણ વધુ એરોગેન્ટ હોવાનું લોકોને લાગી રહ્યું છે. જે થોડા ઘણા કાર્યકરો છે તે ટીવી ડિબેટ કે પાનના ગલ્લે જે આક્રમકતાથી ભાજપ – કૉન્ગ્રેસને ભાંડતા હોય છે તેનાથી લોકોને આપ પર બહુ પ્રેમ નહીં રહે. બાકી ગારિયાધાર બેઠકના સુધીર વાઘાણી જેવા પણ આપના ઉમેદવાર હતા કે જેઓ છ મહિના અગાઉ છાતી ઠોકીને કહેતા હતા કે કોઈ પણ સંજોગોમાં ગારિયાધાર બેઠક પર આપ જીતશે અને તેમણે જીતી બતાવ્યું.

Advertisement

કેટલાક આઘાત અને આશ્ચર્યજનક પરિણામ આવ્યાં. મોરબી જિલ્લાની તમામ બેઠકો પર ભાજપની ભવ્ય લીડ, વિરમગામથી હાર્દિક પટેલની જીત અને મહુવામાં ડૉ. કનુ કળસરિયા જેવા કર્મઠ ઉમેદવારની હારથી લોકો સ્તબ્ધ છે.
બાકી લોકસભાની ચૂંટણીમાં પણ ત્રિકોણિયો જંગ થશે તો ફરી કૉન્ગ્રેસના કાર્યકરો અને આપના કાર્યકરો આનાથી વધુ અપમાનિત થશે. ચૂંટણી કેમ લડાય, કેમ જિતાય એ માટે ભાજપના સી. આર. પાટીલનું ટ્યૂશન રાખવું પડે. જ્યાં જરૂર પડી ત્યાં કડકાઈ, જ્યાં ટિકિટ કાપવી પડી ત્યાં ટિકિટ કાપી, એક એક બેઠકનું સચોટ ગણિત બેસાડી ઇતિહાસ રચી દીધો.
જોકે ચૂંટણીમાં કોઈ પણ વિશ્લેષક, રાજકીય નેતા કે પછી આઇબી ઇન્ટેલિજન્સ પણ જ્યાં ગોથાં ખાતા હતા ત્યાં છેલ્લા છ મહિનાથી બુકીઓ કહેતા હતા કે કૉન્ગ્રેસને 19થી વધુ બેઠક નહીં મળે, આપને પાંચથી વધુ બેઠક નહીં મળે. ભગવાન જાણે આ બુકીઓ ક્યાંથી આટલી સચોટ આગાહી કરતા હશે. અંતે તો બુકીઓ જ સાચા પડ્યા.
જય હો બુકીઓનો, જય હો પંટરોનો અને જય હો વિજેતા ઉમેદવારોનો
વાચક રાજા લેખના પ્રતિભાવ માટે આ નંબર પર વૉટ્સઍપ કરી શકે છે-9909941536
નોંધ – લેખક પ્રસિદ્ધ ટીવી જર્નાલિસ્ટ અને ટીવી-9 પર પ્રદર્શિત લોકપ્રિય કાર્યક્રમ ‘ભાઈ ભાઈ’ના ઍન્કર છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!