તિબેટમાં માનવાધિકાર ઉલ્લંઘન પર અમેરિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના જવાબમાં ચીને બે અમેરિકન નાગરિકો પર પ્રતિબંધ મૂક્યો છે. ધાર્મિક અને વંશીય લઘુમતીઓ સાથેના વર્તનને લઈને ચીન અમેરિકા સાથે વિવાદમાં છે. ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકી નાગરિકો – ટોડ સ્ટેઈન અને માઈલ્સ યુ માઓચુન અને તેમના પરિવારના સભ્યોને ચીનમાં પ્રવેશવા પર પ્રતિબંધ રહેશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં તેમની કોઈપણ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવશે અને તેમને ચીનની અંદર કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા સાથે સંપર્ક કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે.
નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે આ પગલું અમેરિકા દ્વારા “તિબેટીયન માનવાધિકાર મુદ્દાના બહાના હેઠળ” બે ચીની નાગરિકો પર પ્રતિબંધો લાદવાના જવાબમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે ચીન તેને “આંતરરાષ્ટ્રીય સંબંધોના મૂળભૂત ધોરણો”નું ઉલ્લંઘન માને છે અને તે મુજબ જ જવાબ આપી રહ્યું છે. તેમણે કહ્યું કે સ્ટેઈન અને યુ “તિબેટ અને ચીન સાથે સંબંધિત અન્ય મુદ્દાઓ પર ખૂબ જ ખોટું વર્તન કર્યું”. માઓએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અમે ફરી એકવાર એ વાત પર ભાર મૂકવા માંગીએ છીએ કે તિબેટનો મુદ્દો સંપૂર્ણપણે ચીનનો આંતરિક મામલો છે અને અમેરિકાને તેમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. ચીનની આંતરિક બાબતોમાં મોટી દખલગીરીને ચીન તરફથી કડક જવાબ આપવામાં આવશે.’
‘પ્રતિબંધોથી કોઈ ફરક પડતો નથી’
પ્રવક્તાએ કહ્યું, “અમે અમેરિકાને કહેવાતા પ્રતિબંધો પાછા ખેંચવા અને તિબેટના મામલામાં અને ચીનની આંતરિક બાબતોમાં દખલ કરવાનું બંધ કરવા વિનંતી કરીએ છીએ.” સ્ટેઈને જણાવ્યું હતું કે મોટા સંદર્ભમાં જોઈએ તો તેમની સામે પ્રતિબંધના આદેશથી “કોઈ ફરક નથી પડતો”. તેમણે કહ્યું, ‘મહત્ત્વનું એ છે કે ચીની અધિકારીઓએ હજારો લોકોને જેલમાં ધકેલી દીધા છે. તેમના માનવાધિકારના હનનથી ધ્યાન ન હટાવશે.’
અમેરિકાએ પણ લગાવ્યા હતા પ્રતિબંધો
ટિપ્પણી માટે યુનો તાત્કાલિક સંપર્ક થઈ શક્યો નથી. 9 ડિસેમ્બરના રોજ, યુએસએ 2016 થી 2021 સુધી તિબેટમાં ટોચના અધિકારી વુ યિંગજી અને 2018 થી પ્રદેશના પોલીસ વડા ઝાંગ હોંગબો પર પ્રતિબંધો લગાવ્યા હતા. પ્રતિબંધોની ઘોષણા કરતા, યુએસના વિદેશ સચિવ એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે, “અમારી કાર્યવાહીનો હેતુ ચીનને તિબેટીયન સ્વાયત્ત ક્ષેત્રમાં ધાર્મિક લઘુમતી જૂથોના સભ્યોને મનસ્વી રીતે અટકાયત અને શારીરિક શોષણથી રોકવાનો છે.”