અરવલ્લી જિલ્લાનું મોડાસા શહેર એ શિક્ષણની નગર તરીકે ઓળખાય છે પરંતુ જ્યારે શિક્ષણની નગરમાં શિક્ષકો દ્વારા માર મારવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મોડાસાના બાયપાસ રોડ પર આવેલી સત્યમ સ્કૂલમાં વહેલી સવારે પોલિસનો કાફલો સ્કૂલમાં પહોંચ્યો ત્યારે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી જ્યાં વિદ્યાર્થીને માર માર્યો હોવાને લઇને પરિવારજનો સ્કૂલમાં પહોંચ્યા હતા.
સત્યમ સ્કૂલમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ જણાવ્યું કે, સામાન્ય વાતને લઇને પીવીસી પાઈપથી તેને કાનના ભાગે અને પીઠ પાછળ માર મારવામાં આવ્યો હતો. પિતાનું કહેવું છે કે, તેમના દીકરાને માર મારવામાં આવ્યો હતો જેને લઇને કાનમાં દુ:ખાવો થતો હોવાથી હોસ્પિટલમાં તપાસ અર્થે લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઇને ભોગ બનનાર બાળકના પરિવારજનોએ મોડાસા ગ્રામ્ય પોલિસ મથકે પહોંચી ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી હતી.
મોડાસાની સત્યમ સ્કૂલમાં બનેલી ઘટનાને લઇને પીડિત પરિવારજનોએ મોડાસા ગ્રામ્ય પોલિસ મથકે પહોંચ્યા હતા અને પોલિસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. જોકે આ સમગ્ર ઘટનાને લઇને શાળા તરફથી અત્યારસુધી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી ત્યારે પોલિસ આ સમગ્ર ઘટનાને લઇને કઈ દિશામાં તપાસ કરે છે તે જોવું રહ્યું.
હાલમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે વધુ એક ઘટના અરવલ્લી જિલ્લામાંથી સામે આવતા હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે.