રાજ્યમાં ખેડૂતો અને પશુ પાલકોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં હાલ ખેડૂતોને ખાતર તેમજ વીજળીના સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં નવો વિવાદ સામે આવ્યો છે. મોડાસા તાલુકાના વોલ્વા ગામે પશુપાલકોને દાણ નહીં મળતા રોષ જોવા મળ્યો હતો. મોડી રાત્રે ખેડૂતો અને પશુપાલકો રામજી મંદિર ખાતે એકત્રિત થયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો.
મોડાસા તાલુકાના વોલ્વા ગામના પશુપાલકોનું કહ્યું હતું કે, તેઓ દુધ ડેરીમાં દાણ માટે ગયા હતા તેઓ ને દાણ આપવામાં નહોતું આવ્યું અને અપશબ્દો બોલ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. આ સાથે જ પશુપાલકોએ આ પણ આક્ષેપ કર્યો હતો કે, તેઓને પૂરતા ફેટ પણ નથી મળતા. વોલ્વા દુધ મંડળીમાં યોગ્ય વહીવટના અભાવે ખેડૂતો અને પશુ પાલકોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.
છાશવારે દુધ મંડળીમાં ઉદભવતી સમસ્યાઓ અને વહીવટના અભાવનો શિકાર ખેડૂતો અને પશુપાલકો બન્યા હતા, જેને લઇને પશુપાલકોએ વોલ્વા ગામે દુધ મંડળીમાં દુધ નહીં ભરાવવાનો મોડી રાત્રે નિર્ણય પણ કર્યો હતો અને બુધવાર વહેલી સવારે ગ્રામજનોએ દુધ નહીં ભરાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો.