અરવલ્લી જિલ્લામાં જમીન વિવાદોના કેસ પ્રતિદિન સામે આવતા હોય છે પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જેનાથી ભલભલાના પસિના છૂટી જશે એટલું જ નહીં રાતોરાત કરોડપતિ થવાના સપના જોતા સપનેદારોના સપના હવે રોળાઈ જાય તો નવાઈ નહીં એટલું જ નહીં આવા બિલ્ડરોના કારનામાનો ભોગ સામાન્ય નાગરિકોએ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.
મોડાસાના ભેરંડા રોડ અને બાલાપીર રોડ પર આવેલી અંદાજે 42 એકર જમીન પર બાંધકામ થઈ ગયા અને વેંચાઈ પણ ગયા ત્યાં સુધી કોઈને ગંધ પણ ન આવી, હવે મામલો ત્યારે સામે આવ્યો છે જ્યારે વકફ બોર્ડ એ 27 કબજેદારોને નોટિસ આપી છે, તમામ કબજેદારોને નોટિસ ફટકારી આધાર પુરાવા સાથે 7 દિવસમાં વકફ બોર્ડમાં રજૂ કરવા જણાવ્યું છે.
મોડાસાના ભેરંડા રોડ અને બાલાપીર રોડ પર બી-90 પીર દરિયાઈ સાહેબ વકફ મોડાસા થી ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરી ખાતે રજિસ્ટર થયેલી છે. વર્ષો પહેલા ટ્રસ્ટીનું નિધન થયું હતું અને હાલ કોઈ જ ટ્રસ્ટી નથી અને ટ્રસ્ટના પીટીઆરમાં નોંધાયેલ વકફ મિલકત જોતા તેમાં 7 ખેતર આવેલા છે અને કુલ જમીન અંદાજે 42 એકર થવા પામે છે અને આજની માર્કેટ વેલ્યુ પણ 200 કરોડ રૂપિયા થવા પામે છે, તેવી લોકચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે ઈમ્તિયાજ અબ્દુલરહીમ ટાઢાએ વકફ બોર્ડમાં અરજી કરતા સમગ્ર મામલો સામે આવતા બિલ્ડરોના પગતળેથી જમીન સરકી ગઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
વકફ બોર્ડમાં થયેલી અરજીની વાત કરીએ તો તેમાં ઉલ્લેખ કરાયો છે કે, 7 જેટલા ખેતરનું ક્ષેત્રફળ આશરે 42 એકર થવા પામે છે. વકફ મિલકતના 7/12 ના ઉતારા અરજદારે જોયા તો તેમાં વકફ મિલકતના બદલે અન્ય લોકોના નામ દાખલ થયેલા છે. અરજીમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે, નોંધાયેલ મિલકતો અત્યારે સ્થળ ઉપર ખેતર તરીકે જોવા મળતા નથી, ટૂંકમાં ટ્રસ્ટની જગ્યાઓ પર મોટા બાંધકામ કરી દેવાયા છે તો ભેરૂંડા રોડ પર કોલેજની બાજુમાં કેટલાક બાંધકામ તાજેતરમાં જ કરી દેવાયા છે એટલું જ નહીં કેટલાક બાંધકામ હજુ નિર્માણાધિન હોવાની લોકચર્ચાઓ ચાલી રહી છે. આ સાથે જ અરવલ્લી જિલ્લા કલેક્ટરને પણ આ અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવતા હવે સમગ્ર મામલો સામે આવતા ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.
Once A WAQF is always a WAQF
Advertisement
અરજદારની અરજી બાદ વકફ બોર્ડે સુપ્રીમ કોર્ડના ચુકાદાને ટાંકીને લખ્યું છે કે, પીર દરિયાઈ સાહેબ વકફ, મોડાસા બી-90 સાબરકાંઠાથી નોંધાયેલ વકફ સંસ્થા છે. અરજદારની અરજી પછી વકફે કેટલાક સર્વ નંબર સાથે કબેજાદારોના નામ લખી જણાવ્યું કે, તમામ મિલકત વકફની છે વધુમાં ઈસ્લામી શરીયત અને વકફ અધિનિયમ 1995 અનુસાર એક વખત વકફ કરવામાં આવેલી મિલકત કયામત તક વકફ રહે છે. આ સાથે જ વકફે સુપ્રીમ કોર્ટના બે ચુકાદા પણ રજૂ કર્યા છે અને કબજેદારોને આધાર-પુરાવા સાથે 7 દિવસમાં હાજર થવા ફરમાન કર્યું છે.
મોડાસા શહેરમાં ટ્રસ્ટની જમીન બારોબાર થતાં હવે કબજેદારોના પગતળેથી જમીન સરકી જવા પામી છે અને બિલ્ડરોની દોડધામ વધી જવા પામી છે, આ સમગ્ર મામલો સામે આવતા હવે ખરીદનાર ગ્રાહક પણ ચિંતામા મુકાયા છે એટલું જ નહીં પ્લોટ, જમીન અને મકાનો ખરીદીને બમણા પૈસા થવાની લાલસાએ હવે કદાચ માથે હાથ દેવાનો પણ વારો આવી શકે તો નવાઈ નહીં.