રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ ભાઈ-બહેનોને મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વની શુભકામનાઓ પાઠવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા વર્ષનો આ પ્રથમ તહેવાર પ્રત્યેકના જીવનમાં પ્રસન્નતા અને પ્રેમ પ્રસરાવે એવી શુભકામના વ્યક્ત કરી છે. જેમ રંગબેરંગી પતંગો આભમાં નવી ઊંચાઈને આંબે છે એમ પરસ્પર સ્નેહ, સૌહાર્દ અને સંવેદનાની લાગણી નવી ઊંચાઈને આંબે એવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી. જીવ માત્રની સલામતી જળવાય એ રીતે સંયમ, સાવચેતી અને જવાબદારીપૂર્વક ઉતરાયણ ઉજવવા તેમને સૌ ભાઈ-બહેનોને અપીલ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ સૂર્ય નારાયણનો ઉત્તર તરફના પ્રયાણનો આ ઉત્સવ સૌના વિકાસ માટેની ઉર્ધ્વગતિનો ઉત્સવ બની રહે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી છે. તેમણે પતંગ ઉડ્ડયનનું આ પર્વ સમાજમા સૌના સાથ સૌના વિકાસ ના ધ્યેય સાથે સંવાદિતા-ભાઇચારા અને પરસ્પર પ્રેમનું દ્યોતક બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે