26 C
Ahmedabad
Monday, March 27, 2023

પંચમહાલ: પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની તૃતીય આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાઈ


હાલોલ,
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના યુવક,યુવતીઓનો સર્વાંગી વિકાસ થાય તથા તેઓની શક્તિઓને સર્જનાત્મક અને રચનાત્મક માર્ગે વાળવા વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦થી રાજ્યના ચાર પ્રસિધ્ધ પર્વતો પર આરોહણ – અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાય છે.જેના અનુસંધાને ગુજરાત સરકારના રમતગમત- યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલના સંયુક્ત ઉપક્રમે આજરોજ પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની તૃતીય આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં વિવિધ જિલ્લાઓના કુલ ૩૧૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૧૯ થી ૩૫ વર્ષના કુલ ૨૫૬ યુવાનો અને ૫૭ યુવતીઓએ ભાગ લીધો હતો. જેઓએ પાવાગઢ માંચીથી શરૂ કરી દુધીયા તળાવ સુધી ૨૨૦૦થી વધુ પગથિયાં પર આરોહણ – અવરોહણ કર્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી અને પ્રાંત અધિકારી હાલોલ દ્વારા ફ્લેગ ઑફ કરીને સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી.

Advertisement

આ સ્પર્ધામાં વિજેતા ભાઈઓ તથા બહેનોને ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર સુજલ મયાત્રા સહિત વિવિધ અધિકારીગણ/મહાનુભાવો હસ્તક પ્રમાણપત્ર અને E-Pay દ્વારા ઈનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં ભાઈઓની કેટેગરી અંતર્ગત પંચમહાલના શહેરા તાલુકાના કવાલી ગામના અશ્વિન ડિંડોર કે જેઓએ ગત વર્ષના રેકોર્ડને બ્રેક કરી ૨૮ મિનિટ ૩૦ સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, જ્યારે બહેનોની કેટેગરીમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સુર્યાગામના સીતાબેન ચાવેલે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.બંને સ્પર્ધકોએ ૨૫-૨૫ હજારનું ઇનામ અને પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હતું. આ બંને કેટેગરીમાં વિજેતા ૧ થી ૧૦ ભાઈઓ અને ૧ થી ૧૦ બહેનોને કુલ રૂ. ૨,૩૪,૦૦૦/ના ઈનામ E-Pay દ્વારા તેઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. હવે પછી આ સ્પર્ધકો ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન ગિરનાર મુકામે યોજાનાર રાષ્ટ્રકક્ષાની આરોહણ – અવરોહણ સ્પર્ધામાં ભાગ લેશે.

Advertisement

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકીએ જણાવ્યું હતું કે સ્વસ્થ શરીર અને યોગ્ય આહાર દ્વારા શારીરિક રીતે તંદુરસ્ત બની સર્વાંગી વિકાસ થકી સશક્ત રાષ્ટ્ર તરફ પ્રયાણ કરવું જોઈએ.

Advertisement

આ પ્રસંગે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ ૫૦૦ વર્ષ પછી પાવાગઢ ખાતે ધ્વજારોહણ કર્યું અને પવિત્ર પાવાગઢની ધરતી પર ત્રીજા આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાઈ તે ગૌરવ સમાન બાબત છે. પ્રધાનમંત્રીનું વિઝન છે કે દેશના યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે તો આપણે સૌ કોઈએ આ દિશામાં આગળ વધવાની જરૂર છે. આ સાથે તેમણે વિજેતા સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

આ વેળાએ જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજેશ પારગી દ્વારા પ્રાસંગિક સ્વાગત ઉદબોધન તથા પી.એસ. પરમાર દ્વારા આભારવિધિ રજૂ કરાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા,પ્રાંત અધિકારી,નાયબ જિલ્લા વિકાસ અધિકારી, રમતગમત અધિકારી, વિવિધ કોચ, પાવાગઢ ટ્રસ્ટી મંડળના સભ્યો,મહાનુભાવો સહિત સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!