અરવલ્લી જિલ્લાના મોડાસામાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે પણ આ કામગીરી હવે સવાલોના ચક્રવ્યુહમાં આવી ગઈ છે. મોડાસાના અલગ – અલગ વિસ્તારોમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કોઈપણ આયોજનવિના ચાલતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મોડાસાના આસિયાના ગરીબ નવાઝ સોસાયટીમાં ચાલી રહેલી કામગીરીને લઇને લોકોમાં રોષ જોવા મળ્યો હતો, કોઈ યોગ્ય જવાબ નહીં મળતા સ્થાનિક આગેવાનોએ ટ્રેક્ટર રોકી વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, પાણી અને ગટર લાઈન બંન્ને સાથે જ રાખવામાં આવી છે જેને લઇને કોઈપણ સમય લીકજ થાય તો રોગચાળો ફાટી નિકળવાની દહેશત રહેશે.
મોડાસા શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, એક બાજુ ઠેર ઠેર ખાડા ખોદી દેવાયા છે, જેને લઇને સ્થાનિક લોકોએ અવર – જવર કરવા માટે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પણ આ કામગીરીમાં કોઈ જ સુધારો ન આવતો હોય તેવી રાવ ઉઠવા પામી છે. ડુઘરવાડા ચોકડી વિસ્તારમાં આવેલી આસિયાના ગરીબ નવાજ સોસાયટીમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે જ્યાં સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે, કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી, કોન્ટ્રક્ટર પોતાની મનમાની અને કોઈપણ પ્રકારના આયોજન વિના કામગીરી કરે છે, આ અંગે પાલિકાને પૂછવામાં આવે તો ગાંધીનગર જાઓ તેવા ઉડાઉ જવાબ આપતા હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા હતા.
આસપાસના વિસ્તારમાં ચાલતી કામગીરીને લઇને ઠેર ઠેર ખાડા પડી ગયા છે, પાણીની પાઈપલાઈન તૂટી ગઈ છે અને પાણીના ખાબોચિયા ભરાઈ જતાં કાદવ કીચડ જોવા મળી રહ્યો છે, ટૂંક સમયમાં ચોમાસું આવશે તો સ્થિતિ કેવી સર્જાશે તે પણ એક સવાલ છે. ભૂગર્ભ ગટર યોજની કામગીરી આવી ચાલશે તો કામગીરી યોગ્ય થશે કે નહીં તે સવાલ છે. પાલિકા કેમ કોઈ કાર્યવાહી નથી કરતી તેના જવાબો વેરો ભરનાર શહેરજનો પૂછી રહ્યા છે.