સોમવારે અનેક શાળા-મંદિરોમાં ગુરુ-શિષ્યના પર્વ ગુરુ પુર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, ત્યાં ધનસુરાની એક સરકારી સ્કૂલમાં શિક્ષકની સાથે સાથે વિદ્યાર્થીઓ પોક મૂકીને રડી રહ્યા હતા. આ પાછળનું કારણ છે શાળામાં વિદ્યાર્થીઓના પ્રિય એવા શિક્ષકની બદલીનો લેટર. 10 વર્ષથી શાળામાં બાળકોને ભણાવતા શિક્ષકની બદલી થતા બાળકોથી માંડીને વાલીઓ સુધી સૌ કોઈ ભાવુક બની ગયા હતા.
10 વર્ષથી શાળામાં ભણાવતા શિક્ષકની બદલીથી વિદ્યાર્થીઓ ગમગીન
અરવલ્લીના ધનસુરામાં આવેલી દોલપુર પ્રાથમિક શાળામાં રમેશસિંહ ચૌહાણ છેલ્લા 10 વર્ષથી બાળકોને અભ્યાસ કરાવે છે. તાજેતરમાં આવેલા શિક્ષકોની બદલીના ઓર્ડરમાં રમેશસિંહની જિલ્લામાં આંતરિક બદલી થઈ છે. તેમની ધનસુરાથી મોડાસા તાલુકાની ગાજણ-3 પ્રાથમિક શાળામાં બદલી કરવામાં આવી છે. ગુરુપૂર્ણિમાના દિવસે જ બદલીનો ઓર્ડર આવતા વિદ્યાર્થીઓ શિક્ષકને ઘેરી વળ્યા હતા અને બાથ ભીડીની રડી પડ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
શાળામાં હાલ 220 વિદ્યાર્થી અભ્યાસ કરે છે
દોલપુરની પ્રાથમિક શાળામાં ધો.1થી 8ના વર્ગો ચાલે છે અને શાળામાં હાલ 220 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં રમેશસિંહ ધો.6થી 8ના વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન અને હિન્દી વિષય ભણાવતા હતા. સ્કૂલમાં ભણાવતા સાથે જ બાળકો સાથે આત્મિયતાનો સંબંધ બંધાઈ ગયો અને વર્ષો બાદ તેમની બદલી થતા માસુમ ભુલકાઓ રડી પડ્યા હતા.
શિક્ષક રમેશસિંહ ઝાલાએ શું કહ્યું વાંચો..!!
દોલપુર પ્રાથમિક શાળામાં છેલ્લા 10 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને તાલુકા ફેર બદલી પામેલા શિક્ષક રમેશસિંહ ચૌહાણે Mera Gujarat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું 10 વર્ષથી આ શાળામાં શિક્ષક તરીકે ભણાવું છું. ગઈકાલે બદલીનો ઓર્ડર આવ્યો. વિદ્યાર્થીઓ સાથે 10 વર્ષથી આત્મિયતા હતા અને એમની ઈચ્છા હતી કે તમે અહીં જ રહો. ગુરુ-શિષ્યનો નાતો બંધાઈ ગયો હતો. વિદાય થતી વખતે અમે શિક્ષકો, બાળકો અને વાલીઓ ખૂબ રડ્યા હતા. મેં તેમને સમજાવ્યા કે બદલીનો ઓર્ડર આવ્યો છે એટલે જવું પડશે.