જીલ્લા કલેકટર મોડાસા વીજતંત્રના અધિકારીઓ સામે શખ્ત કાર્યવાહી કરે તેવી લોકમાંગ પ્રબળ બની
મોડાસા UGVCL કચેરીએ થોડા સમય અગાઉ હોબાળો થતા 4 લેન્ડ લાઈન અને મોબાઈલ નંબરની જાહેરાત સોશ્યલ મીડિયામાં કરી વાહવાહી લૂંટી,એક પણ નંબર ન લાગતો હોવાની બૂમ
મોડાસાના શહેરીજનોએ સોશ્યલ મીડિયામાં ઉભરો ઠાલવ્યો પણ વીજતંત્રની નીતિ કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના જેવી સ્થિતિ
મોડાસાની ઋષિકેશ,કૃષ્ણનગર,ડી.પી.રોડ પર રાત્રે 8:30 વાગ્યાથી વીજળી ડૂલ થતા મોડી રાત્રી સુધી લોકો તોબા પોકારી ઉઠ્યા
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં વીજતંત્રની લાલીયાવાડી થી લોકો તોબા પોકારી ઉઠ્યા છે UGVCL કચેરી દ્વારા ચોમાસાની ઋતુ પહેલા પ્રિ મોન્સૂન પ્લાનના નામે મોડાસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દિવસભર વીજ કાપ મૂકી શહેરીજનોને બાનમાં લીધા પછી પણ સામાન્ય વરસાદમાં વીજ પુરવઠા ખોરવાતા પ્રજાજનો અસહ્ય બફારા અને ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વીજકચેરીએ જાહેર કરેલા હેલ્પલાઇન નંબર પણ લાગતા ન હોવાથી નગરજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે
અરવલ્લી જીલ્લામાં વીજતંત્રના ખાડે ગયેલા વહીવટ થી પ્રજાજનો અને ખેડૂતો વીજળીલક્ષી સમસ્યા થી પીડાઈ રહ્યા છે વીજળી તંત્રએ તૈયાર કરેલ એક્શન પ્લાન કાગળ પર અમલવારી કરાતા વરસાદના ચાર છાંટા વરસે કે તરત વીજળી ગાયબ થઈ જતી હોય છે જ્યોતિગ્રામ થી ગામડાઓમાં વીજ પુરવઠો ૨૪ કલાક આપવાના પોકળ દાવાઓ સાબિત થતા અને ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્પર શોધ્યા ન જડતા લોકોમાં વીજતંત્ર સામે આક્રોશ છવાયો છે
મોડાસા શહેરમાં રાત્રીના 8 વાગ્યાના સુમારે વરસાદ શરૂ થતાની સાથે અડધા શહેરમાં વીજપુરવઠો ખોરવાતા મોડી રાત્રી સુધી વીજ પુરવઠો પુર્વરત ન થતા લોકો અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા રાત્રીના સુમારે કલાકોના કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા શહેરીજનોમાં રોષ જોવા મળ્યો હતો સોશ્યલ મીડિયામાં યુજીવીસીએલ કચેરીની ફીરકી લીધી હતી અને યુજીવીસીએલ સામે આક્રોશ ઠાલવતા મેસેજોની ભરમાર લાગી હતી વીજળીનું બિલ ભરવામાં મોડું થાય તો તરતજ વીજ કનેક્શન કાપી નાખવામાં શૂરવીર તંત્ર વરસાદના ફોરાં પડતાની સાથે વીજળી ડૂલ થઇ જાય છે ત્યારે તંત્ર ક્યાં સુઈ જાય છે તથા કોઈ અનહોની જેવી ઘટના બને તો વીજતંત્રના કયા અધિકારીનો સંપર્ક કરવો સહીત મેસેજ થી લોકોએ રોષ ઠાલવ્યો હતો