ગુજરાત રાજ્યમાં વર્ષ 2021 માં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ઘણી જગ્યાએ જાહેર થયેલા ચુંટણી પરિણામ અંગે વિવાદ થયા હતા અને મામલા કોર્ટના દ્વારે પહોંચ્યા હતા. આવું જ બાયડ તાલુકાની દખણેશ્વર ગ્રામ પંચાયતમાં ડિસેમ્બર 2021 માં યોજાયેલ ચૂંટણીમાં મતગણતરી બાદ જાહેર થયેલ પરિણામોમાં મામલો કોર્ટમાં હતો.
આ બાબતે ચૂંટણી પરિણામોમાં મતગણતરીમાં બેલેટ પેપર પર સિક્કો મારવાની દાંડીમાં એક બાજુ સ્વસ્તિક અને બીજી બાજુ એરોનું નિશાન હતું મતદારોએ ભૂલથી સ્વસ્તિકના બદલે એરોના નિશાન વાળા સિક્કા મતપત્રક પર માર્યા હતા જેથી ચૂંટણી અધિકારીએ એરોના નિશાન વાળા 435 મત રદ જાહેર કરતાં ચૂંટણી પરિણામો અંગે મામલો ગરમાયો હતો. તે અંગે ફરિયાદીની ફરિયાદનો મામલો કોર્ટમાં ચાલી જતાં કોર્ટને ફરિયાદ વ્યાજબી લાગતાં ચૂંટણી પંચને દખણેશ્વર ગ્રામ પંચાયતની ફરીથી મત ગણતરી યોજવા આદેશ કર્યો હતો
કોર્ટના આદેશથી ગુરૂવારના રોજ વાત્રક કોલેજમાં દખણેશ્વર ગ્રામ પંચાયતની 2021 માં યોજાયેલી ચૂંટણીના મતોની ગણતરી ફરીથી યોજાતાં અગાઉ પરાજિત જાહેર થયેલા ઉમેદવાર ધારાબેન અભયભાઈ પટેલ 526 મતે વિજયી થયા હતા જ્યારે અગાઉ વિજેતા જાહેર થયેલ જ્યોતિબેન પટેલ પરાજિત જાહેર થયા હતા.