અરવલ્લી જિલ્લાની રચના થયા પછી જ અધિકારીઓને ઘી-કેળાં છે તેવું નથી, પણ જિલ્લાની રચના થયા પહેલા પણ મલાઈ અને માવો મળતી હેવાના પુરાવા મળ્યા છે. શિક્ષણના મંદિર બનાવી લાખો-કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી દેવાયો હોવાની બૂમો નહીં હવે તો પાપ છાપરો ચઢીને પોકારે છે. જ્યારે ઘર અથવા તો ઓફિસનું નિર્માણ આપણે કરીએ છીએ તો શું માત્ર 20 કે 25 વર્ષમાં જર્જરિત થઈ જાય છે ? અને જો આમ થાય તો જીવની મૂડી આમાં જ વેડફી દેવાય ખરી ? આ તો આપણી વ્યક્તિગત વાત થઈ પણ આ વાત તો સરકારી પૈસાની છે, કોન્ટ્રાક્ટર કે અધિકારીને કોઈ જ પડી નથી, માત્ર તેમના ખિસ્સા ભરવામાં જ રસ છે.
ભિલોડા તાલુકાના અસાલ ગામે વર્ષ 2006-07 માં નિર્માણ થયેલી આંગણવાડી માત્ર 17 વર્ષમાં જ જર્જરિત બની ગઈ છે, જેને લઇને બાળકોને ભગવાનની શરણે બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે… ભિલોડા તાલુકાની વાંદિયોલ ગૃપ ગ્રામ પંચાયતમાં કુલ ત્રણ આંગણવાડી હાલ ભાડાના મકાનમાં ચાલે છે, અહીં ત્રણ આંગણવાડી જર્જરિત થતાં બે આંગણવાડીઓને ભાડાના મકાનમાં ચલાવાય છે તો અન્ય અસાલ ગામની આંગણવાડીના બાળકોને મંદિરમાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે, જેને લઇને હવે ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્ર પાસે બે હાથ જોડી નવીન આંગણવાડી મંજૂર થાય તે માટે પ્રાર્થના કરી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, આંગણવાડી અંગે કેટલીયવાર રજૂઆતો કરી ચૂક્યા છે, પણ અધિકારીઓને કામ સરકાર સુધી પહોંચાડવામાં કેમ પેટ દુ:ખે છે, તે સમજાતું નથી, સ્થાનિક અધિકારીઓ કોઈ કામ કરતા નથી ને ઉચ્ચ અધિકારીઓ આવા ગામડાઓની મુલાકાત લેતા નથી. જરા જુઓ તો ખરા અહીં કેવી જગ્યાએ ભાડાના મકાનો લેવાયા છે, કેવી જગ્યાએ બાળકો કેવું ભણે છે, કેટલાય સવાલો છે, એ.સી. ચેમ્બરમાં બેસીને દેશનો કે જિલ્લાનો વિકાસ કરી શકાતો નથી, નહીંતર આ જિલ્લો પણ જાપાનના ક્યોટો ની જેમ બની જાત, પણ બને શું, માત્ર વીસ વર્ષ ની અંદર જ નિષ્ણાંત ઈજનેરની બનાવેલી આંગણવાડીઓ જર્જરીત થઈ જાય છે.
અધિકારીઓ રાત્રી મુકામના કાર્યક્રમો સારી-સારી જગ્યાએ કરતા હોય છે, પણ જે ગામડાઓમાં ખરેખર લોકોને જરૂરિયાત છે, લોકો મુશ્કેલીમાં છે તેવી જગ્યાઓએ રાત્રી મુકામ કે ઓચિંતી મુલાકાત લેવાનું ટાળતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને ટ્રાયબલ વિસ્તારોમાં તો વિકાસ નામે માત્ર ડીંડવાણું જ ચાલતું હોય તેવું લાગે છે.