શહેરા
શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી શહેરા તાલુકાના આવેલા વિવિધ શિવાલયોમા શિવભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.પાલીખંડાના મરડેશ્વર મહાદેવના દર્શને મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા. દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાથે સાથે મેળાનો પણ આનંદ માણ્યો હતો.પંચમહાલ સહિત અન્ય જીલ્લામાથી પણ લોકો દર્શન કરવા ઉમટી પડયા હતા.
શ્રાવણ મહિનો એટલે શિવજીને રીઝવાનો અને તેને પુજન અર્ચન કરવાનો મહિનો માનવામા આવે છે.જીલ્લાના શિવાલયોમાં મોટી સંખ્યામાં આખો મહિનો ભાવિકોએ શિવજીની પુજન અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી.શહેરા તાલુકામા વિવિધ શિવાલયો આવેલા છે. તે પૈકી પાલીખંડા ગામે આવેલું પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ભારે આસ્થાનુ કેન્દ્ર છે.ત્યારે શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાથી મોટી સંખ્યામા ભાવિકોનુ ઘોડાપુર ઉમટી પડ્યુ હતુ.સાથે સાથે મરડેશ્વર મહાદેવને ફુલ,કમળ,જળ,દુધ ચઢાવામા આવ્યા હતા.મંદિર પરિસર ઓમ નમ શિવાય અને હર હર મહાદેવના નારા સાથે ગુંજી ઉઠ્યુ હતુ. આ મંદિર હાલોલ શામળાજી હાઈવે પર આવેલુ હોવાથી મોટી સંખ્યામા લોકો અહિ દર્શન કરવાનુ ચુક્તા નથી. સાથે સાથે પંચમહાલ,મહિસાગર સહિતના જીલ્લામાંથી મોટી સંખ્યામા લોકો શ્રાવણના છેલ્લા સોમવારે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.