અરવલ્લી જિલ્લામાં હાલ પોલિસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવાઈ રહી છે, તો બીજી બાજુ નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ઝૂંબેશ પણ પૂરજોશમાં છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લા પોલિસના જાપ્તામાંથી એક આરોપી ફરાર થઈ જતાં પોલિસને દોડતી કરી નાખી છે.
સોમવારના દિવસે મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં પોલિસની ગાડીઓ દોડતી જોવા મળતા લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું કે, શું ચાલી રહ્યું છે. એટલું જ નહીં ચાર રસ્તા પોલિસ ચોકી પર LCB, SOG સહિત સ્થાનિક અને માલપુર પોલિસની ટીમનો ખડકલો જોવા મળતા લોકોમાં એક કૂતુહલ જોવા મળ્યું કે, શું ચાલી રહ્યું છે. જેમ-જેમ સમય પસાર થયો અને વાત જાણવા મળી કે, એક આરોપી પોલિસ જાપ્તામાંથી પલાયન થઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ માલપુર પોલિસ સ્ટેશનના આરોપી બિલાલ નવાબ શેખને પોલિસે ચેક રીટર્ન કેસમાં પકડ્યો હતો, ત્યારે તબિયત નાજૂક થવાની રજૂઆત થતાં પોલિસ માલપુર સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઇ ગઈ હતી, જોકે આરોપીને વધુ સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. મોડાસા ખાતે લવાયેલ આરોપીએ તકનો લાભ લઈને પોલિસ જાપ્તા વચ્ચેથી ફરાર થઈ જતાં પોલિસ દોડતી થઈ ગઈ છે. આરોપી ફરાર થઈ ગયાની જાણ થતાં જ અરવલ્લી જિલ્લા એલ.સી.બી., એસ.ઓ.જી. સહિત મોડાસા ટાઉન અને માલપુર પોલિસની ટીમ દોડતી થઈ ગઈ અને આરોપીને ઝડપી પાડવા માટે પોલિસે એડીચોટીનું જોર લગાવી દીધું છે, જોકે હવે પોલિસ આરોપી સુધી કેવી રીતે પહોંચે છે, તે જોવું રહ્યું.
સવાલ એ છે કે, પોલિસ જાપ્તાંથી સારવાર અર્થે લવાયેલ આરોપી કેવી રીતે ફરાર થઈ ગયો. હવે આરોપી ફરાર થઈ જતાં પોલિસની કામગીરી પર સવાલો પણ ઊઠી રહ્યા છે. પોલિસ જાપ્તામાંથી આરોપી ફરાર થઈ જવાનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી, આ પહેલા મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનના લોક અપમાંથી પણ બે આરોપી બાથરૂમની જાળી તોડી ફરાર થઈ ગયા હતા. એટલે આરોપી પોલિસ જાપ્તામાંથી ફરાર થઈ જાય એ અરવલ્લી પોલિસ માટે નવું તો નથી જ.