મોડાસા નગરના સેનાપતિ થવા કોર્પોરેટરો ગાંધીનગર,સુરત અને દિલ્હી સુધી આંટાફેરા મારી આવ્યા
ભાજપના કોર્પોરેટર સંગઠનનો આદેશ થાય તે માથે ચઢાવશેનો એક જ જવાબ
મોડાસા નગરપાલિકા પ્રમુખ પદ માટે છેલ્લે કોથળામાંથી બિલાડું નીકળે તો નવાઈ નહીં…!!
ત્રણ યુવા કોર્પોરેટર અને એક વરિષ્ઠ કોર્પોરેટર વચ્ચે ભારે રેસ
મોડાસા નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ સહીત વિવિધ પદ માટેની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ આગામી 14 સપ્ટેમ્બરે આગામી અઢી વર્ષ માટે પ્રમુખ, ઉપપ્રમુખ સહીત અન્ય પદ માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે મોડાસા નગરપાલિકાના 16માં પ્રમુખ થવા યુવા કોર્પોરેટરોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે પ્રમુખ પદ માટે ભાજપના યુવા કોર્પોરેટર સહીત વરિષ્ઠ કોર્પોરેટરો એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે અને તેમના રાજકીય ગોડફાધરનું શરણ લીધું હોવાની સાથે ધાર્મિક આસ્થા પ્રમાણે ધાર્મિક સ્થળોએ માથું ટેકવી આવ્યા છે ત્યારે મોડાસા શહેરમાં પ્રમુખ કોણ અંગે તરહ તરહના પડીકા ખુલી રહ્યા છે પ્રમુખ પદના ત્રણ ચાર દાવેદારો એક બાજુ લોબિંગ કરી રહ્યા છે અને બીજીબાજુ સંગઠનનો આદેશ સર આંખો પરનું રટણ કરી રહ્યા છે
મોડાસા નગરપાલિકાના 16માં પ્રમુખ અંગે અનેક અટકળો થઇ રહી છે ત્યારે સ્થાનિક રાજકારણમાં જાતિગત રાજકારણ પણ જોવાઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે નગરપાલિકા પ્રમુખ માત્ર ત્રણ યુવા કોર્પોરેટર વચ્ચે કાંટે કી ટક્કર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે તેમજ એક વરિષ્ઠ કોર્પોરેટર માટે પણ ભારે લોબિંગ થઇ રહ્યું છે છેલ્લા કેટલાક મહિના અગાઉ જ નગરપાલિકા પ્રમુખ બનાવ કોર્પોરેટરોએ ગાંધીનગર, સુરત અને દિલ્હી સુધી છાને છુપને ભાજપના વરિષ્ઠ નેતાઓના આશીર્વાદ લઇ આવ્યા છે મોડાસા નગરપાલિકામાં સંઘ સમર્પિત કોર્પોરેટરને લોટરી લાગે તો નવાઈ નહીં…!! જોકે હાલ તો મોડાસા શહેરમાં યુવા કોર્પોરેટરના માથે નગરપાલિકા પ્રમુખનો તાજ પહેરાવવામાં આવશેની ચર્ચાએ જોર પકડ્યું છે ભાજપની કાર્યપ્રણાલી મુજબ પ્રમુખ પદના ત્રણ મજબૂત દાવેદારો ના બદલે અન્ય નામ પણ આવે તો નવાઈ નહીં..!! મોડાસા શહેરના 16માં પ્રમુખની નગરજનો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે પ્રમુખ, ઉપ પ્રમુખ અને અન્ય પદ માટે કોર્પોરેટર ગોઠવણમાં પડ્યા છે