પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આ મામલે વિરોધ દર્શાવવા “મૌન રેલી” નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાંથી પાર્ટીના જિલ્લા, તાલુકા અને શહેરના વિવિધ પદાધિકારીઓ, કાર્યકરો તથા સમર્થકો રેલીમાં જોડાયા હતા. શ્રી રામજી મંદિર લાલબાગ ટેકરી પાસેથી પાંજરાપોળ થઇને ગાંધી ચોક સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી અને જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ દ્વારા સત્ય અને અહિંસાના પૂજારી એવા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર પહેરાવી રેલીનું સમાપન કર્યું હતું. આને કેન્દ્ર સરકાર તથા ઇડીની કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો.
પંચમહાલ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર સત્તાનો અને કાનુની પ્રક્રિયાનો ભરપુર દુર ઉપયોગ કરી રહી છે. કેન્દ્ર સરકારના નેજા હેઠળ કામ કરતી તપાસ એજન્સીઓનો દુર ઉપયોગ કરી દેશમાં વિપક્ષો અને રાજકીય આગેવાનોને હેરાન પરેશાન કરવાનું કામ આ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે એ સ્પષ્ટ દેખાય છે. કથિત કૌભાંડની તપાસ છેલ્લા પંદર મહિનાથી ચાલું છે, હજુ સુધી કંઇજ મળ્યું નથી છતાં બીજા નેતાઓને તપાસ અને પુછ પરછ ના નામે ભાજપ સરકારના ઇશારે ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે તેથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સરકાર વિપક્ષો અને રાજકીય આગેવાનો સાથે કિન્નાખોરી અને બદલાની ભાવના રાખે છે. મારું કહેવું છે કે, ભાજપ સરકાર રાજકીય કિન્નાખોરી રાખ્યા વગર નિખાલસ, ન્યાયિક અને સમાનતાની ભાવના રાખી કામ (રાજનીતિ) કરે કારણ કે, સત્ય પરેશાન થાય છે, પરાજિત નહી. સત્યનો જય થશે.