ગોધરા,
શિક્ષકોની ભરતી માટે ભાજપ સરકારે અમલમાં મુકેલી “જ્ઞાન સહાયક યોજના” ના વિરોધ માટે અને આ યોજના રદ કરાવવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તથા દેડીયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઇ વસાવા ના નેતૃત્વમાં “યુવા અધિકાર યાત્રા” કાઢવામાં આવી છે. દાંડી થી આ યાત્રા નીકળી અને અનેક જિલ્લાઓમાંથી પસાર થઈને સાબરમતી સુધી પહોંચવાની છે આ યાત્રા પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે સાંજના પાંચ કલાકે પ્હોંચી હતી. ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ઉષ્માભર્યું આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રભારોડ પરથી આ યાત્રાએ “પગપાળા” કરીને ગોધરામાં પ્રવેશ કર્યો હતો, ગાંધી સર્કલ પાસે આવીને યુવરાજસિંહ જાડેજા, ચૈતરભાઇ વસાવા તથા દિનેશભાઇ બારીઆએ ગાધીજીની પ્રતિમાને ફુલહાર પહેરાવી પ્રાર્થના કરી હતી અને “જ્ઞાન સહાયક યોજના” બંધ કરો ના ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યાંથી પદયાત્રા પાંજરાપોળ થઇને લાલબાગ ટેકરી પર રામજી મંદિર સભાખંડમાં પહોંચી જાહેર સભા કરી હતી. મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરીને કાર્યક્રમ શરૂ કર્યો હતો.
પંચમહાલ લોકસભા ઇન્ચાર્જ ભાણાભાઈ ડામોર તથા જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆ તથા જિલ્લા ઉપ પ્રમુખો, તમામ તાલુકાઓના પ્રમુખો તથા અન્ય પદાધિકારીઓ દ્વારા ફુલહારથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.સુરત મહાનગરપાલિકા ના કોર્પોરેટર રાકેશભાઈ હિરપરા, કરશનદાસ બાપુ, વિદ્યાર્થી ઉમેદવારો, ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા તથા યુવરાજસિંહ જાડેજાએ સંબોધન કર્યું હતું અને જ્ઞાન સહાયક યોજના એ ભણેલા યુવાનોનું અપમાન છે, તેમની સાથે અન્યાય કરનારી યોજના છે આ યોજનાથી શિક્ષક બનવા માંગતા ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય છે તેથી વિદ્યાર્થીઓના હિત અને ભવિષ્ય માટે સરકાર આ યોજના રદ કરે તેવી અમારી માંગ છે તેવો બુલંદ એકમત રહ્યો હતો. આજની આ યુવા અધિકાર યાત્રામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, ધારાસભ્યશ્રી ચૈતરભાઇ વસાવા, ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી મનોજભાઈ સોરઠીયા, રાકેશભાઈ હિરપરા, કરશનદાસ બાપુ મુખ્ય આગેવાનો તરીકે રહ્યા હતા.આ યાત્રામાં પંચમહાલ જિલ્લામાંથી ૨૦૦ જેટલા જ્ઞાન સહાયક ઉમેદવારો, વિદ્યાર્થીઓ ભાઇઓ તથા બહેનો સહિત પાંચસો જેટલા જિલ્લા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકરો, સમર્થકો જોડાયા હતા.આ યાત્રામાં જોડાયેલાં સૌનો આભાર જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆએ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન હાલોલ તાલુકા પ્રમુખ ગુરુરાજસિહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.