ઝવેરીબજારના ખારાકૂવાવાળી આખી ગલીના અંત સુધી ચાંદીના ગ્રાહકોની લાંબી લાંબી લાઇન
કોરોના મહામારી પછીની સ્વસ્થ સ્વાસ્થ્યવાળી પ્રથમ દિવાળી, આગમી મહિનામાં ભારતભરમાં ૪૦ લાખ અને આખા વર્ષમાં ૧.૨૫ કરોડ કરતાં વધુ લગ્નો ગોઠવાવાનું અનુમાન, ૨૮ ઓકટોબરના સોનાના ભાવ રૂ. ૬૩૦૦૦થી ૧૦ ગ્રામે રૂ. ૨૫૦૦ ઘટયા હોઇ, ધનતેરસના દિવસે મુંબઈની ઝવેરી બજારમાં આજે પગ મૂકવાની જગ્યા ન હોય તેવા દ્રશ્યો બાપોરે દોઢવાગ્યે આ સંવાદદાતાને જોવા મળ્યા હતા. ગ્રાહકો સોના કરતાં ચાંદીના લક્ષ્મી અને બીજા ભાગવાનોની છાપવાળા સિક્કા, વાસણો ખરીદવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ચાંદીના સિક્કા, આભૂષણો અને વાસણો માટે જાણીતા મેસર્સ નારણદાસ મનોહરદાસની દુકાન પર અને ઝવેરીબજારના ખારાકૂવાવાળી આખી ગલીના અંત સુધી ગ્રાહકોની લાંબી લાંબી લાઇન જોવા મળી હતી. સિલ્વર એમપોરિયમના રાહુલ મહેતાએ કહ્યું કે સોનાચાંદીની શુધ્ધતા માટેનો આગ્રહ ખૂબ વધ્યો હોઇ, ખાસ કરીને ચાંદીમાં ભેળસેળનું પ્રમાણ ખૂબ ઓછું થયું છે. ગ્રાહકો હવે ચાંદી પર પણ હોલમાર્ક અને બીઆઈએસના માર્કનો આગ્રહ રાખતા થયા છે. દુકાનદારો પણ .૯૨૫ કેરેટના ચાંદીના આર્ટીકલ વેચવા પ્રેરાયા છે.
બુલિયન એનાલિસ્ટ ભાર્ગવ વૈદ્યે કહ્યું કે કોરોના મહામારી બાદ ત્રણ વર્ષ પછી પહેલી વખત બજારમાં ગ્રાહકોની આટલી બધી ફૂટપ્રિન્ટ જોવા મળી રહી છે. ૨૮ ઓક્ટોબરે સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૬૩,૦૦૦ની ઊંચાઈએ પહોંચી ગયા હતા તે આજે રૂ. ૬૦,૫૦૦ આસપાસ હોવાથી ગ્રાહકોનો સોના પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ વધ્યો છે. ચાંદીના ભાવ ૩૧ ઓક્ટોબરે રૂ. ૭૨,૧૬૫ની ઊંચાઈએ હતા તેમાં અત્યાર સુધીમાં રૂ. ૧૪૦૦નો ઘટાડો જોવાયો છે. દેશભરના જ્વેલરો તરફથી મળતા પ્રતિસાદને આધારે કહી શકાય કે આ દિવાળીમાં અંદાજે ૩૦થી ૩૫ ટન સોનાનું વેચાણ સંભવિત છે.
ઉમેદમલ ત્રિલોકચંદ જ્વેલર્સના કુમાર જૈને કહ્યું કે તેમની દુકાનમાં પગમૂકવાની જગ્યા નથી, તેમના મતાનુસાર સાંજે પાંચ વાગ્યાથી ઘરાકીમાં વૃધ્ધિ જોવા મળશે, જે મોડી રાત સુધી ચાલશે. ગતવર્ષે આ તબક્કે ૨૦થી ૨૫ ટન સોનાનું વેચાણ થયું હતું, તે આ વખતે નિશ્ચિતપણે ૧૦ ટન જેટલું વેચાણ વધી શકે છે.
બુલિયન એનાલિસ્ટ દિનેશ પારેખે કહ્યું હતું કે ગત સપ્તાહ સુધી લાગતું હતું કે આ દિવાળી મોળી જવાની. પણ ભાવ જે રીતે ઘટયા, તે જોતાં હવે રોકાણકારોનો સોના ચાંદીની ખરીદીમાં મૂડીરોકાણનું આકર્ષણ વધ્યું છે. રોકાણકારો ગોલ્ડબોન્ડ, ઈટીએફ, સોનાની લગડી, સિક્કા સ્વરૂપે ખરીદી વધારી રહ્યા હોઇ, ઝવેરીઓ પણ હવે જ્વેલરી સાથે બુલિયન વેપાર કરતાં થઈ ગયા છે. બુલિયન ડીલર ચોક્સી મેઘાજી વનેચંદના સુમિત સંઘવી કહ્યું કે તાજેતરમાં શેરબજાર ઘટવા તરફી હતું, ત્યારે ઘણા રોકાણકારોએ દરનામાર્યા શેરો વેચી નાખ્યા હતા. આવા રોકાણકારોની આજે ૧૦, ૨૦, ૧૦૦ ગ્રામ સોનાની લગડી માટેની માંગ પ્રોત્સાહક રહી છે. મધ્યમ વર્ગ, જેમને જ્વેલરીના રોકાણમાં હવે ખાસ રસ નથી રહ્યો તેવા રોકાણકારોની ૧,૨, અને પાંચ ગ્રામની લગડી સિક્કામાં લેવાલી જોવાઈ હતી.
તેમણે કહ્યું કે ગોલ્ડ સિલ્વર રેશીયોમાં સમજ ધરાવતા રોકાણકારો સોનાને બદલે ચાંદી વધુ પસંદ કરી રહ્યા છે. આજે ચાંદીમાં કિલો બારમાં જોવાયેલી માંગ આની પ્રતતી કરાવતા હતા. તેમણે કહ્યું કે ભારતીય જ્વેલરોએ ૭ ઓકટોબર, ઈઝયેલ વોર પહેલા રૂ. ૫૫,૦૦૦ આસપાસના ભાવથી હેજિંગ (સલામતી) બાઈંગ કર્યું હતું, તેમને અત્યારે સારો નફો મળી રહ્યો છે. આવા જ્વેલરો મોટા અને સમૃધ્ધ ગ્રાહકોને સારું એવું ડિસ્કાઉન્ટ પણ આપતા જણાયા છે. ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જવેલર્સ એસોસિયેશનના ડિરેક્ટર દિનેશ જૈને કહ્યું કે મહત્તમ જ્વેલરો મજૂરી પર ૨૦ ટકા કરતાં વધુ ડિસ્કાઉન્ટ આપતા જણાયા હતા.
તાનીસ્ક, કલ્યાણ જ્વેલર્સ જેવી કોર્પોરેટ કંપનીઓ પણ મોટા ડિસ્કાકાઉન્ટ ઓફર કરીને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા પ્રયાસ કરતાં જોવાયા હતા. તાનીસ્કએ મેકિંગ ચાર્જ પર ૨૦ ટકા ડિસ્કાઉન્ટ, કોઈ પણ જ્વેલર પાસેથી ખરીદેલા જૂના દાગીના સામે ૧૦૦ ટકા ભાવની એક્સ્ચેન્જ ઓફર મૂકી છે. જો કોઈ ગ્રાહક સ્ટેટ બેન્કની રૂ. ૮૦,૦૦૦ની સોનાની લગડી ખરીદે તો તેને રૂ. ૪૦૦૦નું તત્કાળ ડિસ્કાઉન્ટ, ૧૨ નવેમ્બર સુધી ઓફર કર્યું છે.