બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા પ્રમાણે બંને નેતાઓએ પશ્ચિમ એશિયા ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં ચાલી રહેલા વિકાસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે આતંકવાદ, હિંસા અને નાગરિકોના જીવ ગુમાવવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને પરિસ્થિતિને ઝડપથી ઉકેલવા માટે નક્કર પ્રયાસો કરવા હાકલ કરી હતી. વધુમાં PMOએ જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G20ની બ્રાઝિલની અધ્યક્ષતાની સફળતા માટે ભારતના પૂર્ણ સમર્થનની વાત કરી.
તેઓ નવી દિલ્હીમાં મળેવલી G20 બેઠક દરમિયાન થયેલી દ્વીપક્ષીય બેઠકના મુદ્દાઓ પર પણ ચર્ચા વિચારણા કરી હતી. ટેલિફોનિક વાતચીત બાદ પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર કહ્યું કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડિસિલ્વા સાથે સારી વાત થઈ છે… અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પ્રતિબદ્ધ છીએ.