બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ શનિવારે નવનિર્મિત કોક્સ બજાર રેલ્વે સ્ટેશન ખાતે એક સમારોહમાં બહુપ્રતિક્ષિત 102 કિલોમીટરની ચટ્ટોગ્રામ-કોક્સ બજાર ડ્યુઅલ-ગેજ સિંગલ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું. ઉદઘાટન કાર્યક્રમને સંબોધતા હસીનાએ કહ્યું કે આજે કોક્સ બજાર રેલ્વે નેટવર્ક સાથે જોડાયેલું છે. આ વિસ્તારની લાંબા સમયથી માંગ હતી. તેમણે કહ્યું કે, નવી રેલ લાઇન ચટ્ટોગ્રામથી પ્રવાસી શહેર કોક્સ બજાર સુધી ઝડપી અને સરળ ટ્રેન સેવાઓ સુનિશ્ચિત કરશે. ભવિષ્યમાં, ચટ્ટોગ્રામ-કોક્સબજાર રેલ્વે લાઇનને નિર્માણાધીન માતરબારી ડીપ સી પોર્ટ સાથે જોડવામાં આવશે.
ટ્રાન્સ-એશિયન રેલ્વે (TAR) નેટવર્કના ભાગ રૂપે, આનાથી મ્યાનમાર અને તેનાથી આગળની પહોંચમાં સુધારો થવાની અપેક્ષા છે.
01 નવેમ્બરના રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના બાંગ્લાદેશી સમકક્ષ શેખ હસીનાએ સંયુક્તપણે બાંગ્લાદેશમાં ત્રણ ભારત સહાયિત વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. તેમાંથી, બે રેલવે લાઇન પ્રોજેક્ટ્સ હતા: 12.24 કિમી અખૌરા-અગરતલા ક્રોસ બોર્ડર રેલ લાઇન અને ખુલના-મોંગલા પોર્ટ રેલ લાઇન. બાંગ્લાદેશના રેલ્વે ક્ષેત્રમાં આ વિકાસલક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થવાથી, આ પેટા-પ્રદેશમાં કનેક્ટિવિટી વધારવામાં આવી છે.