દિવાળીના દિવસે મોડી રાત્રે અરવલ્લી જિલ્લામાં આગ લાગવાના બે બનાવો બન્યા હતા, જેમાં મોડાસા તાલુકાના ટિંટોઈ અને ધનસુરા તાલુકાના રમોસ ગામે બની હતી. ઘટનાની જાણ થતાં મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
મોડાસા તાલુકાના ટિંટોઈ ગામે દિવાળીના દિવસે મોડી રાત્રે ટાયરના કેબિનમાં અચાનક આગ લાગવાની ઘટનાન ઘટી હતી. ઘટનાની જાણ મોડાસા નગર પાલિકા ફાયર વિભાગને કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જોકે આગ કયા કારણોસર લાગી તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
તો બીજી બાજુ ધનસુરા તાલુકાના રમોસ ગામે ખેતરમાં રાખેલા પુળામાં આગ લાગવાની ઘટના ઘટી હતી. મોડી રાત્રે રમોસ ગામે રહેતા વિશાલભાઈ નામના ખેડૂતના ખેતરમાં રાખેલા પુળામાં આગ લાગવાનો કોલ મોડાસા નગર પાલિકાની ટીમને મળ્યો હતો. કોલ મળતા જ પાલિકા ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
દિવાળીનો પર્વ છે ત્યારે ફટાકડા ફૂટવાને કારણે આગના બનાવો બનતા હોય છે, ખાસ કરીને રોકેટ જેવા ફટાકડાને કારણે આગના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે ત્યારે આગ કદાચ ફટાકડાને કારણે પણ હોઈ શકે છે, ત્યારે હવામાં ઉડતા ફડાકડા ફોડવાનું પણ ટાળવું જોઈએ જેથી આગ જેવી ઘટનાઓને ટાળી શકાય.