સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહીની અસર જોવા મળી રહી છે. રવિવારના દિવસે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારબાદ ધીરે-ધીરે વરસાદી માહોલ જામ્યો હતો. બે થી ત્રણ જિલ્લાને છોડીને તમામ જિલ્લાઓમાં માવઠું થતાં લોકો ઠુંઠવાઈ ગયા હતા. ઉત્તર, દક્ષિણ, મધ્ય, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કેટલીક જગ્યાએ તો રીતસરની બરફની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
ઉત્તર ગુજરાતમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વીજળી પડવાની ઘટનાઓ ઘટી હતી,ત્યારે અરવલ્લી જિલલામાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું હતું. મેઘરજ તાલુકાના જીતપુર ખાખરીયા ગામે વીજળી પડી હતી, જેને લઇને ખેતરમાં રહેલા મકાઈનો સૂકો ચારો બળીને ખાક થઈ ગયો હતો. વીજળી પડતાની સાથે, જોત-જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સૂકો ચારો બળી ગયો હતો.
આ સાથે જ મેઘરજ તાલુકાના રેલ્લાવાડા, જીતપુર, મેઘરજ સહિતના વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને લઇને ઠંડીનો ચમકારો પણ વધ્યો હતો.