ગુજરાતની ગૌરવવંતી સાંસ્કૃતિક પરંપરા ‘ગરબા’ની યુનેસ્કો દ્વારા 2023ના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદગી થઇ છે. યુનેસ્કો દ્વારા આ જાહેરાત થઇ છે. ગરબો એ ગુજરાત અને ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યપૂર્ણ એકતા દર્શાવતું મહત્વનું સ્થાન ધરાવે છે. ગરબાને માં આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ મનાય છે. ગુજરાતના ગૌરવ સમાન ગરબા ગુજરાત અને દેશના સીમાડા ઓળંગીને વૈશ્વિક ઓળખ બની ચૂક્યા છે, ત્યારે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશન એટલે કે, યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરાયું છે. યુનેસ્કો દ્વારા આયોજિત બોત્સવાના ખાતે સમારોહનું આયોજન થયું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ગૌરવ સમાન ગરબાને UNESCO દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે પસંદગી થવા બદલ ગુજરાતીઓને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે, વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની વિરાસતને મળેલા મહત્વ અને તેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાના પ્રયાસોનું આ સુખદ પરિણામ છે.
ગુજરાતના ગરબાને યુનેસ્કો દ્વારા પસંદગી કરવામાં આવતા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા, જ્યાં શાળા કોલેજના વિદ્યાર્થીઓએ ગરબા રજૂ કરીને ઉજવણી કરી હતી.