છોટાઉદેપુર અને દાહોદમાં સિંચાઈની 7 નકલી કચેરીઓ ઉભી કરી રાજ્ય સરકારની 22 કરોડની ગ્રાન્ટ ખિસ્સામાં સેરવી લેવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ સરકારની આબરૂની ધૂળધાણી થઇ રહી છે નકલી કચેરીની મંજૂરી આપવામાં પ્રાયોજના વહીવટદારની શંકાસ્પદ ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે ત્યારે રાજ્યના આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચે મુખ્યમંત્રીને પત્ર લખી આદિવાસી વિસ્તારોના જિલ્લામાં આવેલ પ્રયોજના કચેરીઓમાં ગાંધીનગરથી ઓડિટ કરાવવાની માંગ કરી છે
આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને પત્ર લખી જણાવ્યું છે કે ગુજરાત રાજયના આદિવાસી વિસ્તારના જીલ્લાઓમાં કાર્યરત પ્રાયોજના વહીવટદાર કચેરીના અધિકારીઓ દ્વારા આદિવાસી બજેટની ફાળવણી કરવામાં આવે છે તેમાં તાજેતરમાં છોટાઉદેપુર જીલ્લા તથા દાહોદ જીલ્લાની પ્રાયોજના વહીવટદારની કચેરીઓમાં આદિવાસી ફંડની ફાળવણી અને વપરાશમાં ગેરરીતિ થયાની ઘટનાઓ પ્રકાશમાં આવેલ છે જેની એફ.આઈ.આર પણ નોંધાયેલ છે. જે ખુબ ગંભીર બાબત છે અને રાજયની અન્ય પ્રાયોજના વહીવટદારની કચેરીમાં પણ આવા પ્રકારની ગેરરીતિ થયાની શક્યતા છે તેથી તમામ જીલ્લાઓની પ્રાયોજના વહીવટદારની કચેરીઓમાં ગાંધીનગર ખાતેથી ખાસ ઓડિટ ટીમ દ્વારા ઓડિટ કરવામાં આવેની માંગ કરી છે