સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના નવાગામના ગરાસિયા પરિવારમાં યોજાયા અનોખા લગ્ન
દાદા-દાદીના લગ્નમાં ડીજેના તાલે તેમના પુત્રો-પુત્રીઓ અને પૌત્રો પૌત્રીઓ ઝૂમી ઉઠ્યા
સંતોના ઘરે ય સંતાનો ધરાવતા આધેડ વયે બે બુઝર્ગ લગ્નગ્રંથિથી જોડાયા: એકમાં 75 વર્ષનો વર અને 73 વર્ષની કન્યા
પરિવારના બીજા કિસ્સામાં 60 વર્ષનો વર અને 58 વર્ષની કન્યા લગ્નગ્રંથી જોડાયા:એક સમયે જ પરણ્યા
વિજયનગર તાલુકાના નવાંગામમાં સંતાનોના ઘરે પણ સંતાનો ધરાવતા આધેડ વયના બે વડીલો એક જ દિવસે અને એક જ સમયે પોતાના ઘર પાસેના ખુલ્લા ખેતરમાં લગ્નની ચૉરી માં વાજતેગાજતે લગ્નની શરણાઈઓ અને મધુર લગ્નગીતો સાથે લગ્નગ્રંથિથી જોડાઈને આ સમાજમાં ચાલી આવતી કુંવારા રહી સહજીવન બાદ પાકટવાયે લગ્ન કરવાની પ્રથાને અનુમોદન આપ્યું હતું.
વિજયનગર તાલુકાના ગરાસિયા પરિવારમાં આજરોજ આવા બે લગ્નો લેવાયા હતા અને બન્નેએ પોતપોતાના સંતાનો અને એમના પણ સંતાનોની હાજરીમાં વિધિવત રીતે લગ્ન યોજી એની ખુશીમાં આમંત્રિત મહેમાનો, સગા-સબંધીઓ માટે ભોજન સમારંભ પણ યોજ્યો હતો.
વિવાહ વિના સાથે રહી જીવન ગુજરનાર અને સંતાનોના ઘરે પણ બાળકો કિલ્લોલ કરતા હોય ત્યારે મોટી ઉંમરે લગ્ન કરનાર આ બે જુદા જુદા વડીલોના વિશે ઊંડાણથી જાણીએ..નવગામમાં રહેતા 75 વર્ષીય નગજીભાઈ મંગળાજી રોજડ અને 73 વર્ષનાં રોજડ વેચાતીબેન નગજીભાઈ ને ત્યાં સહજીવન દરમિયાન એક દીકરી ને બે દીકરાનો જન્મ થયો હતો. જેમાં 53 વર્ષની દીકરી શાંતાબેનના ઘરે ચાર સંતાનો છે 48 વર્ષના દિકરા જયેશભાઇ ને ત્યાં 2 સંતાનો અને 42 વર્ષના બચુભાઈને ઘરે 3 સંતાનો છે.
જ્યારે આજ ગરાસિયા પરિવારમાં બીજા જે લગ્ન થયા એમાં 60 વર્ષના બાબુલાલ રૂપાજી રોજડ અને 58 વર્ષના કેસરીબેન બાબુલાલ રોજડ પણ આજે લગ્નગ્રંથિથી જોડાઈ ગયા હતાં. આ વડીલ બાબુલાલને એક 40 વર્ષની દીકરી છે અને તેણીને પ ત્રણ સંતાનો છે જ્યારે બાબુલાલને બે ફુવારા પુત્રો છે જેમાં હર્ષકુમારની ઉંમર 30 વર્ષ છે તો બીના પુત્ર અજુભાઇની ઉંમર ૨૨ વર્ષ છે.આમ વિજયનગર તાલુકાના નવાગામ ગામમાં બે મોટી વયના વડીલો આજે વિધિવત અને વાજતેગાજતે સમાજના રિવાજ મુજબ લગ્નગ્રંથીથી જોડાઈ ગયા હતા અને આટલી ઉમર બાદ અને એ પણ કિલ્લોલ કરતા બે પેઢીના પરિવારની હાજરીમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
આટલી વય વટાવ્યા બાદ પરણવાનું રસપ્રદ કારણ વાંચો
સમાજના રીતરિવાજો મુજબ વિધિવત રીતે લગ્ન કર્યા ન હોય અને આવું દંપતિ કે એમાંથી કોઈનું જ્યારે અવસાન થાય ત્યારે મરણોત્તર વિધિ..ઉત્તરક્રિયા, બારમું-તેરમું ન થાય.! આ ઉત્તરક્રિયા માટે કાયદેસર લગ્ન કરેલા હોવા જૉઈએ એવી પ્રથાને લઇ જે પરણ્યા વિનાના હોય એમના ઘરે અને એમના ય બાળકોના ઘરે સંતાનો ભલે હોય પણ અવસાન બાદ આવા અવિવાહિટોની ઉત્તરક્રિયા ન થઈ શકે એ પ્રથાને લઇ આ ઉંમરે પણ આ બંને વડીલોના ઘરે રીતસર લગ્ન લેવાયા અને વાજતેગાજતે જાહેર લગ્ન સમારંભ ખુશી ખુશી સંપન્ન કરવામાં આવ્યો હતો.