*બાયડ ખાતે આવેલ જયઅંબે મંદબુદ્ધિ મહિલા સેવા આશ્રમની સેવાની જ્યોત સમગ્ર ગુજરાતમાં પ્રજ્વલિત થઈ રહી છે, ત્યારે..
હાલ, આ આશ્રમમાં 177 મહિલા તેમજ 31 પુરુષો આશ્રય લઈ રહયા છે. અત્યાર સુધી આ આશ્રમમાં ઘણા બિનવારસી લોકોને આશ્રય આપી તેમની સેવા કરી પોતાના વતન કે પરિવારને સોંપવાની ઉમદા કામગીરી થઈ છે. તો કેટલાક બિનવારસી લોકો માટે અન્ય રાજ્યના હોવાથી તેમની ભાષાને લઈને તેમના પરિવાર સુધી પહોંચવાની સમસ્યાઓ આવતી હોય છે. એવામાં, જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવા આશ્રમમાં એક પરિવારની કરુણતા સાથે ખુશીની વાર્તા સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે.
તારીખ 29/11/2023ના રોજ કલાવતી નામના મહિલાને આશ્રમના સ્વયંસેવીઓ દ્વારા રણાસણથી રેસ્ક્યુ કરવામાં આવે છે. એના ઠીક 12 એક દિવસ પછી સૂર્યપ્રકાશ નામના વ્યક્તિને બિનવારસી હાલતમાં હિંમતનગર ખાતેથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. જે વાતને આજે બે એક મહિના થવા આવ્યા. પણ બંનેની ભાષા તેલુગુ હોવાના કારણે એમની વાતો સમજવામાં આશ્રમના પ્રતિનિધિઓને સમસ્યાઓ આવતી હતી. પરંતુ, આજ રોજ સંસ્થામાં તેલુગુ ભાષાના જાણકાર પારસભાઈ માળીએ બંને સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે; તેઓ બંને માતા-પુત્ર છે. જેમાં, માતા તેમના બે પુત્રો સૂર્યા પ્રકાશ અને શિવા પ્રકાશને લઈને નીકળ્યા હતા. અને તે વિખુટા થઈ ગયા હતા. હાલ, તેઓ એકબીજાને જોઈ અને એક છત્રમાં સાથે રહેતા હોવાનું જાણી ખુશ થઈ ગયા હતા. માતા પુત્ર ચેન્નાઇના ફુલ્લચી, ફુલ્લમપટ્ટીના હોવાનું સામે આવ્યું છે. ત્યારે, આશ્રમના પ્રમુખ અશોકભાઈ જૈનએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી આશ્રમમાં ઘણા બિનવારસી મહિલા અને પુરૂષોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પણ, પહેલી વાર આશ્રમમાં એક વાર્તા સર્જાઈ છે. જે આશ્રમના આંગણે માતા અને દીકરાને મળવાનું નિમિત્ત બન્યું છે. અમે તેમના પરિવારને સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. હાલ, માતા અને પુત્ર બંને મળીને ખૂબ જ ખુશ છે. ત્યારે, માતા અને પુત્રના આ મિલનની વાતથી આશ્રમમાં સહુ કોઈએ ખુશી વ્યક્ત કરી હતી.