ગોધરા-
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ કાર્યક્રમની શરુઆત કરતા પહેલા,ગઇકાલે વડોદરા ખાતે બનેલી દુઃખદ ઘટનાના ભાગરૂપે મૌન રાખવામા આવ્યું હતુ.ત્યારબાદ, જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે જિલ્લા કલેકટર આશિષ કુમારએ માર્ગ અકસ્માત થતાં કેમ રોકવા તે અંગે જણાવતા કહ્યું હતું કે, અકસ્માત થવાના મુખ્ય ત્રણ કારણો છે, જેમાં ડ્રાઇવરની બેદરકારી,રોડની સ્થિતિ,તેમજ ગાડીની સ્થિતિ એ મુખ્ય ભાગ ભજવે છે.
વધુમાં તેઓએ અકસ્માતની ગંભીરતા વિશે સમજાવતાં કહ્યું હતું કે, આપણે જ્યારે રોડ ઉપર બાઈક કે કાર લઈને નીકળીએ છીએ ત્યારે એક વાત હંમેશા યાદ રાખવી કે આપણો પરિવાર આપણા ઘરે પરત ફરવાની રાહ જોતો હશે. દેશના ભવિષ્યનો આધાર યુવાઓ છે ત્યારે યુવાઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરે તેમજ બાઈકની સ્પીડ વધુ ના રાખે, ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે, તેમજ કાર ચલાવતી વખતે પણ સીટ બેલ્ટ બાંધે, તેમજ રોડ પરની ગતિ મર્યાદા અને અન્ય સાઈનેજનું પાલન કરે, તે ડ્રાઇવર અને તેમના પરિવારના લોકોના ભવિષ્ય માટે ખૂબ જ આવશ્યક છે. આમ, અકસ્માત રોકવો એ બધાનો વિજય છે.વધુમાં તેઓએ નેશનલ હાઇવે પર થતા અકસ્માતને લગતી મદદ માટે હેલ્પલાઇન નંબર ૧૦૩૩ વિશે જાણકારી આપી હતી. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે, લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા આવે અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સમજણ આપવા માટે આ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે. બાઈક કે કાર ચલાવતી વખતે વધુ સ્પીડ ના હોય તેની કાળજી રાખીએ તેમજ ડ્રાઈવિંગ કરતા સમયે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે. તેમજ નશીલા પદાર્થોનો ઉપયોગ કરી વાહન ન હંકારવું જોઇએ.આમ, માર્ગ સલામતીના ભાગરૂપે આપણે પણ હેલ્મેટ પહેરીએ અને અન્યને પણ પ્રેરણા આપીએ.
આ પ્રસંગે ઇન્ચાર્જ આર.ટી.ઓ. એસ.બી.કાચા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ દરમિયાન યોજાનાર અલગ અલગ કાર્યક્રમો અંગે માહિતી આપવામાં આવી હતી.આ તકે, ઉપસ્થિત સૌએ માર્ગ સલામતી પ્રત્યે પૂરતી કાળજી રાખવા પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ મોટર વાહન નિરીક્ષક વી.એસ.પટેલ દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી.કાર્યક્રમના અંતે, માર્ગ સલામતી માસ ૨૦૨૪ના ભાગરૂપે આયોજિત બાઇક રેલીને ઇન્ચાર્જ આર.ટી.ઓ. એસ.બી.કાચા તેમજ સિટી ટ્રાફિક પી.એસ.આઇ. એન. આર. ઢોડીયા દ્વારા લીલી ઝંડી અપાઇ હતી.આ પ્રસંગે, વિભાગીય નિયામક એસ.ટી. , સિટી ટ્રાફિક પી.એસ.આઇ, ટી.આર.બી. જવાનો, જિલ્લા ટ્રાફિક પોલિસ કર્મીઓ, સિટી ટ્રાફિક પોલીસ કર્મીઓ,આર.ટી.ઓ. સ્ટાફ,સામાજીક કાર્યકરો, તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા