નલિનકાંત ગાંધી હોલ ખાતે વડાપ્રધાનનો વર્ચ્યુઅલ કાર્યક્રમ વિદ્યાર્થીઓએ નિહાળ્યો
કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, સાંસદ દિપસિંહ રાઠોડ
હિંમતનગરના નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે સાંસદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સાતમો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે, પરીક્ષા એ જીવનનો ભાગ છે બોર્ડની પરીક્ષાઓ તેનું પ્રથમ પગથિયું છે. દરેક માતા-પિતા પોતાના બાળકો શ્રેષ્ઠ પદ ધારણ કરે તેવું સ્વપ્ન જોવે છે. આ સ્વપ્નને પૂર્ણ કરવાની જવાબદારી વિદ્યાર્થીઓની હોય છે. જેથી વિદ્યાર્થીઓ પર સફળતા માટેનું ભારણ આવે છે. અહીં આપણે આને ભારણ તરીકે નહીં પરંતુ તેની સારી રીતે લઈ સખત મહેનત દ્વારા સફળતા મેળવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. મહેનતનો કોઈ જ વિકલ્પ નથી. આપણા વડાપ્રધાન શ્રી એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓ દિવસના 18 કલાકથી વધુ કામ કરીને આજે આપણા દેશને નવી ઊંચાઈ ઉપર લઈ જઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા કલેકટર નૈમેષ દવેએ જણાવ્યું હતું કે, સખત મહેનત નો કોઈ વિકલ્પ નથી. સફળતા માટે મહેનત એક માત્ર વિકલ્પ છે. માટે ચિંતા મુક્ત બનીને પરીક્ષાઓની તૈયારી કરી ભવિષ્યમાં આવનારી તમામ પરીક્ષાઓમાં સફળ બનો તેવી શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ વિદ્યાર્થીઓએ નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપાધ્યાય, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની સાથે તાલુકા કક્ષાએ તેમજ જિલ્લાની તમામ શાળાઓમાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો.