જીલ્લા આરોગ્ય તંત્રની ધુતરાષ્ટ્ર નીતિના પગલે અંતરિયાળ વિસ્તારોમાં પેટી ડોકટરોનો રાફડો ફાટી નીકળ્યો છે
બીમારીના સમયે ડોકટર એટલા માટે યાદ આવે કારણ કે બીમાર દર્દીને ડોકટર માં ભગવાન દેખાય છે ને એક વિશ્વાસ હોય છે કે આ ડોકટર મારી બીમારી દૂર કરશે. ત્યારે અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના પરસોડા ગામમાં બીમાર દર્દીઓ ને સજા કરવાને બદલે બીમાર પાડી દે તેવો એક નકલી ડોકટર ઝડપાયો છે.
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એસઓજી પીએસઆઈ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે માલપુર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા પરસોડા ગામમાં મોડાસા શહેરમાંથી આવતો એક શખ્સ તબીબ બની બેઠો હોવાની સાથે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હોવાની બાતમી મળતા એસઓજી પોલીસ પરસોડા ગામમાં ત્રાટકી મોડાસાના સુથારવાડા વિસ્તારમાં રહેતા બોગસ તબીબને ઝડપી પાડતા સમગ્ર પંથકમાં બોગસ પ્રેક્ટિસ કરતા તબીબો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા પરસોડા ગામ સહીત સમગ્ર પંથકમાં નકલી તબીબ નરેશ ડાહ્યાભાઈ સુથારની કાળી કરતૂત બહાર આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા
મોડાસા શહેરના સુથારવાડા વિસ્તારમાં રહેતો નરેશ ડાહ્યાભાઈ સુથાર નામનો શખ્સ છેલ્લા કેટલાક વર્ષથી માલપુર તાલુકાના પરસોડા ગામમાં લોકોની આંખોમાં ધૂળ નાખી અસલી તબીબ હોવાના રૂઆબ સાથે કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી બેફામ એલોપેથિક પ્રેક્ટિસ કરતો હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે પરસોડા ગામમાંથી નકલી તબીબ નરેશ ડાહ્યા સુથારને દબોચી લઇ તેની પાસેથી 17 હજારથી વધુની દવાઓ અને તબીબી સાધનો જપ્ત કરી નકલી તબીબ સામે માલપુર પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ-419 તથા ધ ગુજરાત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ-30 મુજબ ગુન્હો નોંધાવી આગળની તપાસ માલપુર પોલીસને સુપ્રત કરી હતી