અરવલ્લી જીલ્લાના સાઠંબા ગામે ઉઘરાણીએ જઈ રહેલા યુવાન વેપારીનું માર્ગમાં બાઈક સ્લીપ થઈ જતાં મોત નીપજતાં ગામ આખામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મરનાર યુવાન વેપારીના માનમાં સાઠંબાના તમામ બજારોએ બંધ પાળી શોકાતુર વાતાવરણમાં સદગતની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે અગિયારસના દિવસે બજાર બંધ હોવાથી સાઠંબાના યુવાન કરિયાણાના વેપારી સમીરભાઈ કા પટેલ બાઈક નં. જી.જે 31 પી 1824 પર સવાર થઈ ઉઘરાણીએ જવા નીકળ્યા હતા સાંજના સમયે અજબપુરા જવાના માર્ગ પર ઓચિંતાનો સ્ટેયરીંગ પરથી કંટ્રોલ જતો રહેતાં સમીરભાઈ બાઈક સાથે રસ્તાની બાજુમાં ગટરમાં ખાબક્યા હતા જ્યાં પથ્થર સાથે અથડાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં સમીરભાઈ બિહારીભાઈ કા પટેલનું સ્થળ પર જ કરુણ મોત નીપજવા પામ્યું હતું.
અકસ્માતે યુવાન વેપારીનું મોત થયાની ખબર સાઠંબા ગામમાં પહોંચતાં ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. અકસ્માતની ઘટનાથી વેપારીના પરીવાર સહિત સાઠંબા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
અકસ્માતની ઘટનાની જાણ થતાં તરત જ સાઠંબા પોલીસ મથકના પી.એસ.આઇ આર બી રાજપુત અને તેમની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી